પૂજ્ય શ્રી જલારામ બાપાનું મંદિર વીરપુર: જ્યાં બાપાનું વર્ષોથી ચાલે છે 'સદાવ્રત', વિનામૂલ્યે લાખો ભક્તો લે છે પ્રસાદ, જાણો ધાર્મિક ઈતિહાસ

By: Publish Date: Sun, 07 Jun 2026 12:20 PM (IST)Updated: Sun, 07 Jun 2026 12:20 PM (IST)
virpur-jalaram-bapa-temple-history-sadavrat-765423

Virpur Jalaram Bapa Temple History: રાજકોટ જિલ્લામાં આવેલું વીરપુર જલારામ બાપાનું મંદિર સમગ્ર ગુજરાત અને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે. સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાનું જીવન, ચમત્કારો અને તેમની ભક્તિની સુવાસ આજે પણ વીરપુરની ગલીઓમાં અનુભવાય છે.

સૌરાષ્ટ્રની ધરતી આમ પણ, સંત શૂરાની ધરતી છે. વીરપુરમાં જલારામ બાપાના સદાવ્રતમાં રાજા હોય કે રંક, કોઈ પણ જાતિ-પાતિના ભેદ વિના પ્રસાદ અપાય છે. ગુજરાતી જાગરણ તેની મંદિરોની સીરીઝમાં આજે પૂજ્ય જલારામ બાપાના મંદિર વીરપુર વિશે વિગતવાર માહિતી આપશે.

naidunia_image

પૂજ્ય જલારામ બાપાનો પરિચય:

જલારામ બાપા ગુજરાતના એક પ્રસિદ્ધ હિન્દુ સંત હતા. તેમનો જન્મ 14 નવેમ્બર 1799 ના રોજ, હિન્દુ તહેવાર દિવાળીના એક અઠવાડિયા પછી રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ ઠક્કર હતા. તેઓ લોહાણા જ્ઞાતિના હતા. પૂજ્ય જલારામ બાપા શ્રીરામ ભગવાનની ભક્તિ કરતા હતા.જલારામ બાપાનું મંદિર વીરપુરમાં આવેલું છે. તેમના જીવનકાળથી અત્યાર સુધી સદાવ્રત ચાલી રહ્યું છે. જ્યાં આજ સુધી કોઈ પણ રુપિયો કે દાન લેવાતું નથી

જલારામ બાપાનું મુખ્ય મંદિર વીરપુરમાં આવેલું છે. આ મંદિર વાસ્તવમાં તે ગૃહ સંકુલ છે જ્યાં જલારામ તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. આ મંદિરમાં જલારામનો સામાન અને તેમના દ્વારા પૂજા કરાયેલા રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનના દેવતાઓ રાખવામાં આવ્યા છે. તેમાં ભગવાન દ્વારા આપવામાં આવેલી ઝોળી અને દંડ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

naidunia_image

પૂજ્ય શ્રી જલારામ મંદિર પાછળનો ઈતિહાસ:

સદાવ્રતની શરૂઆત

જલારામ બાપાનો જન્મ વીરપુરમાં થયો હતો. તેઓ નાનપણથી જ સંત પ્રકૃતિના હતા. તેમના લગ્ન વિરબાઈ મા સાથે થયા બાદ, તેઓ પોતાના ગુરુ ભોજા ભગત આશીર્વાદ લઈને વીરપુરમાં જ રહેવા લાગ્યા. 20 વર્ષની નાની ઉંમરે, ઈ.સ. 1820માં તેમણે પોતાના ઘરે જ 'સદાવ્રત' (ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાની પ્રથા) શરૂ કર્યું. આ ઘર જ આજે મુખ્ય મંદિર તરીકે પૂજાય છે.

ભગવાન રામજીની મૂર્તિનું પ્રગટ થવું

એક લોકવાયકા મુજબ, એકવાર વીરપુરમાં થોડા સાધુઓ આવ્યા. તેમણે જલારામ બાપાની નિઃસ્વાર્થ સેવા જોઈને તેમને આશીર્વાદ આપ્યા અને ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિઓ આપીને કહ્યું કે, "થોડા દિવસોમાં અહીં સ્વયં હનુમાનજી પણ પધારશે." ત્યારબાદ થોડા જ દિવસોમાં જલારામ બાપાના ઘરના અનાજના કોઠારમાંથી સ્વયં હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ. આ મૂર્તિઓની સ્થાપના બાપાએ પોતાના એ જ ઓરડામાં કરી જ્યાં તેઓ સાધુ-સંતોને જમાડતા હતા.

ઝૂંપડી બન્યું તીર્થધામ

જલારામ બાપાનું ઘર એક સાદું નળિયાવાળું મકાન હતું. જેમ-જેમ બાપાની કીર્તિ અને તેમના સદાવ્રતનો મહિમા વધતો ગયો, તેમ-તેમ દેશ-વિદેશથી લોકો ત્યાં દર્શનાર્થે આવવા લાગ્યા. બાપાના વૈકુંઠવાસ (ઈ.સ. 1881) પછી, જે જગ્યાએ તેઓ રહેતા હતા અને જ્યાં તેમણે પ્રભુ ભક્તિ તથા સેવાનો ભેખ લીધો હતો. તે જ જગ્યાને ભક્તોએ પવિત્ર મંદિર માની લીધું.

naidunia_image

આધુનિક મંદિર પરિસર

સમય જતાં, દર્શનાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને જલારામ બાપાના વંશજો અને સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા એ મૂળ જગ્યાની આસપાસ ભવ્ય પરિસર, મોટા રસોડા ને ભક્તો માટે લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી, આમ છતાં, આજે પણ મંદિરની અંદર બાપાનો એ જ મૂળ ઓરડો, તેમનો ફોટો, ગાદી અને રામ દરબારના દર્શન થાય છે.

દર્શન અને આરતીનો સમયપત્રક

વિગત / ઉત્સવ સમય
સવારના દર્શન સવારે 07:00 થી બપોરે 12:00
મંગલા આરતી સવારે 07:30 વાગ્યે
શણગાર આરતી સવારે 09:00 વાગ્યે
બપોરે વિરામ (મંદિર બંધ) બપોરે 12:30 થી સાંજે 04:00
સાંજના દર્શન સાંજે 04:00 થી રાત્રે 08:30
સંધ્યા આરતી સાંજે 07:30 વાગ્યે

પ્રસાદનો સમયપત્રક

પ્રસાદનો સમય શરૂ થવાનો સમય મેનૂ (મેન કોર્સ)
બપોરનો પ્રસાદ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી ગાંઠિયા, બુંદી અને શાક
સાંજનો પ્રસાદ રાત્રે ૦૮:૦૦ વાગ્યાથી ગરમા-ગરમ ખીચડી, કઢી અને દેશી ઘી

સૌથી મોટો ચમત્કાર: આ મંદિરની ભવ્યતા તેની ઈમારતમાં નથી, પણ તેની પરંપરામાં છે. ઈ.સ. 2000થી આ મંદિરે કોઈપણ પ્રકારનું દાન (રૂપિયો કે સોનું-ચાંદી) લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આમ છતાં, બાપાના આશીર્વાદથી આજે પણ હજારો લોકો રોજ ત્યાં અવિરતપણે પ્રસાદ ગ્રહણ કરે છે.

naidunia_image

મંદિર પરિસરમાં ભક્તો માટે સુવિધા

  • સવારે 11:00 થી બપોરે 01:00 અને સાંજે 07:00 થી રાત્રે 09:00 (સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે) મંદિરમાં આવતા દરેક ભક્ત માટે સવાર અને સાંજ ગરમ અને શુદ્ધ દેશી ઘીમાંથી બનેલો મહાપ્રસાદ (ગાંઠિયા, બુંદી, ખીચડી, કઢી અને શાક) બિલકુલ મફત આપવામાં આવે છે.
  • ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે શેડ અને રેલિંગવાળી સુવ્યવસ્થિત લાઈનો બનાવવામાં આવી છે, જેથી તડકા કે વરસાદમાં પણ ભક્તો સરળતાથી દર્શન કરી શકે.
  • દિવ્યાંગો અને મોટી ઉંમરના ભક્તો માટે દર્શન માટે ખાસ અનુકૂળતા કરી આપવામાં આવે છે.
  • વીરપુરમાં જલારામ બાપાના પ્રમુખ સ્થાનો અને આસપાસના વિસ્તારમાં ભક્તોને રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ આવેલી છે, જ્યાં ખૂબ જ નજીવા દરે અથવા ટોકન દરે રહેવાની સગવડ મળી રહે છે.
  • મંદિર પરિસરમાં ઠેર-ઠેર ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા છે.
  • જલારામ મંદિર પરિસરમાં સ્વચ્છતાનું ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે. શૌચાલય અને સ્નાનગૃહની પણ પૂરતી વ્યવસ્થા છે.
  • કટોકટીના સમયે પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોય છે.
naidunia_image

મંદિર સુધી કેવી રીતે પહોંચવું?

રોડ માર્ગ

ભક્તોને વીરપુર જલારામ બાપાના દર્શન કરવા જવું હોય તો તેમણે સૌપ્રથમ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પરથી પ્રાઈવેટ ગાડી કે એસ.ટીના માધ્યમથી આવી શકશે. વીરપુર રાજકોટથી આશરે 53 કિમી અને ગોંડલથી અંદાજે 18 કિમી દૂર આવેલું છે.

રેલવે માર્ગ

વીરપુરથી સૌથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન ગોંડલ કે રાજકોટ છે. વીરપુરનું પણ પોતાનું નાનું રેલ્વે સ્ટેશન છે. ભક્તો લોકલ ટ્રેનથી મુસાફરી કરીને દર્શન માટે આવી શકે તેવી સુવિધા છે.

હવાઈ માર્ગ

સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) છે, જે દેશના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. ત્યાંથી વિદેશમાં રહેતા ભક્તો કે ભારતના કોઈ અન્ય રાજ્ય કે શહેરમાં રહેતા ભક્તો બાપાના દર્શન કરવા માંગતા હોય તો તેઓ હવાઈ માર્ગથી પણ દર્શન કરવા આવી શકે છે.

વીરપુર જલારામ મંદિરની આસપાસ આવેલા પ્રખ્યાત સ્થળો

  • શ્રી ખોડલધામ મંદિર, કાગવડ.
  • નવલખા મહેલ અને રોયલ ગૅરેજ, ગોંડલ.
  • અક્ષર મંદિર (સ્વામિનારાયણ મંદિર), ગોંડલ.
  • ગુંદાળા ખોડિયાર માતાજી મંદિર.
  • માનકેશ્વર મહાદેવ મંદિર, વીરપુર.