Vagh Baras 2025 Date and Time: ગુજરાતી પંચાગ પ્રમાણે આ વર્ષે વાઘ બારસ 17 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. પણ શું તમે જાણો છો કે વાઘ બારસ નામ કેવી રીતે પડ્યું, વાઘ બારસ તહેવાર મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ, જાણો આ લેખમાં તેની સાથે જોડાયેલી રસપ્રદ ઐતિહાસિક કથાઓ...
વાઘ બારસનો અર્થ
આસો વર બારસ એટલે વાક્ બારસ. પરંતુ સમયની સાથે વાક્ નું અપભ્રંશ થતાં ધીરે ધીરે વાઘ થઈ ગયું અને આ તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવો લાગ્યો. વાક્ એટલે કે વાણી. વાણી એટલે કે સરસ્વતી. વાઘ બારસના દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી જે ચોપડા લખે છે. તેમના મનની શુદ્ધિ થાય છે. વીણા એ સંગીતનું પ્રતીક છે. આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી 14 વિદ્યા અને 64 ટકાનો સંચાર થાય છે. આ દિવસે વિદ્યાર્થીઓ જો ચોપડા પૂજન કરે તો સરસ્વતી દેવીની કૃપા વરસે છે.
દેવું પતાવવાનો શ્રેષ્ઠ દિવસ છે વાઘ બારસ
વાઘનો અર્થ થાય છે દેવું. વેપારીઓ આખા વર્ષ દરમિયાન જે હિસાબોની લેવડ દેવડ કરે છે. એ તમામ ચોપડાઓનો દેવું પુરું કરવાનો શ્રેષ્ઠ સમય એટેલે વાઘ બારસ. વેપારી સહિત જે પણ લોકો એવા વ્યવસાય સાથે જોડાયેલા હોય જેમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય તો આ દિવસે પુરી કરવી જોઈએ. જૂનો હિસાબ બધો પુર્ણ કરીને નવા વર્ષથી નવો હિસાબ શરૂ કરવો જોઈએ.
વાઘ બારસના દિવસે દૈત્યનો વધ
વાઘ નામનો એક દૈત્ય હતો. તેનો આસો સુદ બારસના દિવસે વધ કરવામાં આવ્યો. આખા બજારમાં તેને ઘસડીને ફેરવ્યો અને પછી લોકોએ તે દિવસે ઘંધો કર્યો નહિ, વ્યવસાય કર્યો નહિ ને નવા વર્ષથી કામ શરુ કર્યું. એટલે લોકો આ દિવસે જુનું પતાવીને નવા વર્ષથી શુભ દિવસે કામ શરુ કરે છે.
વાઘ બારસના દિવસે ગાયની પૂજા કરવાનું મહત્વ
આ દિવસે ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે. વાઘ બારસ કે જે ગોવત્સદ્વાદશી તરીકે પણ ઓળખાય છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. તેમાંથી અનેક રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુ એટલે કે ઈચ્છાપૂર્તિ ગાયનું પણ પ્રાગટ્ય થયું. આ દિવસ આસો વદ બારસનો હતો. આ દિવસે દરેક મહિલા પોતાના બાળકોની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. જો કોઈ મહિલાને સંતાન ન હોય અને તે જો આ દિવસે શ્રદ્ધા અને ભાવ ભક્તિ પૂર્વક ગાયની પૂજા કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે.
વાઘ બારસના દિવસે વાઘ દેવની પૂજા
આ દિવસે જંગલમાં રહેતા આદિવાસી લોકો વાઘ દેવની પૂજા કરે છે. ખીરનો પ્રસાદ ધરે છે. તેઓ જાનમાલની સલામતી માટે અને પ્રકૃતિ પ્રેમી હોવાથી પશુ પક્ષી અને ઝાડ પાનની પૂજા કરે છે. માન્યતા પ્રમાણે વર્ષો પહેલા ગીચ જંગલમાં વાઘની વસ્તી વધારે હતી. જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી વાઘ હતું. ત્યારે તેના પ્રત્યે આદરભાવ અને ડરના કારણે આદિવાસીઓ દ્વારા વાઘદેવની પૂજા કરવામાં આવી. પશુઓ તેમજ પાલતુ જાનવરના રક્ષણ કાજે આજે પણ વાઘની જીવતા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે.
