Vagh Baras 2026 Date, Puja Time, Vidhi, Muhurat: વર્ષ 2026 માં પ્રકાશના પર્વ દિવાળીના પાંચ દિવસીય ઉત્સવનો પ્રારંભ નવેમ્બર મહિનામાં થશે. હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ એટલે કે 'વાઘ બારસ' સાથે દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. ગુજરાતમાં 'વાઘ બારસ' અને મહારાષ્ટ્રમાં 'વાસુ બારસ' તરીકે ઓળખાતા આ પર્વનું શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ છે. આ વર્ષે 5 નવેમ્બર, 2026 ના રોજ આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે.
વાઘ બારસ 2026 તારીખ
પંચાંગ મુજબ, વાઘ બારસની ઉજવણી 5 નવેમ્બર, 2026 (ગુરુવાર) ના રોજ કરવામાં આવશે.
- દ્વાદશી તિથિ પ્રારંભ: 5 નવેમ્બર, 2026, સવારે 10:35 વાગ્યે.
- દ્વાદશી તિથિ સમાપ્ત: 6 નવેમ્બર, 2026, સવારે 10:30 વાગ્યે.
વેપારીઓ અને ગૌપૂજન માટે ખાસ દિવસ
વાઘ બારસને 'ગોવત્સ દ્વાદશી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ વેપારી વર્ગ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. વેપારીઓ આ દિવસે તેમના જૂના હિસાબ-કિતાબના ચોપડા પૂર્ણ કરે છે અને તમામ દેવાની ચૂકવણી કરી ઋણમુક્ત થઈને નવા વર્ષના આગમનની તૈયારી કરે છે.
બીજી તરફ, આ દિવસ ગૌપૂજન માટે પણ શ્રેષ્ઠ છે. જેને 'નંદિની વ્રત' પણ કહે છે. આ દિવસે મહિલાઓ સંતાનના કલ્યાણ અને દીર્ઘાયુષ્ય માટે વ્રત રાખે છે. વ્રતધારીઓ આ દિવસે ઘઉં અને દૂધની બનાવટો ખાવાનું ટાળે છે, પરંતુ ગાય અને વાછરડાને ઘઉંની વાનગીઓ ખવડાવવાનું વિશેષ મહત્વ છે.
વાઘ બારસ પૂજા વિધિ
વાઘ બારસના દિવસે ગાય અને વાછરડાને પવિત્ર જળથી સ્નાન કરાવી, નવા વસ્ત્રો અને ફૂલહારથી શણગારવામાં આવે છે. તેમના કપાળ પર સિંદૂરનું તિલક કરી પૂજા કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં જ્યાં ગાય ઉપલબ્ધ ન હોય, ત્યાં ભક્તો ભીની માટીમાંથી ગાય-વાછરડાની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે. ગાયને મગ અને ઘઉંનો પ્રસાદ ધરાવવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
વાઘ બારસ 2026: પૂજા માટેના શુભ મુહૂર્ત
- પ્રદોષકાળ (શ્રેષ્ઠ મુહૂર્ત): સાંજે 05:34 થી 08:11 સુધી (કુલ સમય: 02 કલાક 37 મિનિટ)
- ગોધુલી મુહૂર્ત: સાંજે 05:34 થી 06:00 સુધી
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:52 થી 05:44 સુધી
- અભિજિત મુહૂર્ત: સવારે 11:43 થી બપોરે 12:27 સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 01:55 થી 02:39 સુધી
- અમૃત કલામ: રાત્રે 08:36 થી 10:13 સુધી
- નિશિતા મુહૂર્ત: રાત્રે 11:40 થી 12:32 (6 નવેમ્બર)
