Tulsi Vivah 2025: હિન્દુ પંચાગ પ્રમાણે તુલસી વિવાહનો પર્વ દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમની તિથિ વચ્ચે મનાવવામાં આવે છે. જો કે સૌથી શુભ સમય દેવઉઠી એકાદશીની તિથિને માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિમાં પુનઃ મંગળ કાર્યોનો આરંભ થાય છે.
આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ સહિત અને શુભ કાર્યો કરતા અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બર, 2025ના રોજ રવિવારે મનાવવામાં આવશે, જે ભક્તો માટે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની કૃપા પ્રાપ્ત કરવાનો પાવન અવસર બનશે.
સનાતન ધર્મમાં તુલસી વિવાહ કન્યાદાનની જેમ જ પુણ્યદાયક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિ તુલસી વિવાહ કરાવે છે, તેના ઘરમાં સુખ-શાંતિ અને ધન-સમૃદ્ધિનો વાસ થાય છે.
જે લોકોને લગ્ન જીવનમાં અડચણો આવતી હોય કે લગ્નમાં વિલંબ થતો હોય, તેમના માટે તુલસી વિવાહમાં સામેલ થવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. આ અનુષ્ઠાન જીવનમાં વૈવાહિક સુખ, સંતાન પ્રાપ્તિ અને આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં સકારાત્મક પરિણામ આપે છે.

પૌરાણિક કથા અનુસાર, માતા તુલસી પહેલા વૃંદા નામની તપસ્વિની હતા. ભગવાન વિષ્ણુએ તેમના સત્ય વ્રતની રક્ષા કરવા માટે સ્વયં શાલિગ્રામનું સ્વરૂપ ધારણ કર્યું હતુ. બસ ત્યારથી તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવવામાં આવી રહ્યા છે.
તુલસી વિવાહની વિધિ: Tulsi Vivah 2025
- સૌથી પહેલા તુલસીના છોડને લાલ ચુંદડી, ફૂલથી કન્યાની માફક સજાવવામાં આવે છે
- શાલિગ્રામ કે ભગવાન વિષ્ણુની પ્રતિમાને વરના સ્વરૂપમાં મંડપમાં બિરાજમાન કરવામાં આવે છે
- તુલસી અને શાલિગ્રામ વચ્ચે મંડપમાં હવન કુંડ બનાવવામાં આવે છે. જેના ઉપર દીવો પ્રકટાવીને પૂજા શરૂ કરવામાં આવે છે
- વિધિ દરમિયાન ગંધ, પુષ્પ, અક્ષત, તુલસીના પાન અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવે છે
- વૈદિક મંત્રો અને મંગળ ગીતો સાથે તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવવામાં આવે છે
- વિવાહ બાદ આરતી ઉતારવામાં આવે છે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે
- અંતમાં ભક્તો વિષ્ણુ અને તુલસી માતા પાસે સુખ, શાંતિ અને સૌભાગ્યની પ્રાર્થના કરે છે
