Premanand Maharaj: વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની દૈનિક પદયાત્રા અને દર્શન અનિશ્ચિત સમય માટે સ્થગિત

Premanand Maharaj Padayatra Postponed: મથુરા-વૃંદાવનના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજના દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તો માટે એક મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 18 May 2026 11:05 AM (IST)Updated: Mon, 18 May 2026 11:05 AM (IST)
saint-premanand-maharaj-padyatra-postponed-due-to-health

Premanand Maharaj Padayatra Postponed: મથુરા-વૃંદાવનના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજના દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તો માટે એક મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાજશ્રીની દૈનિક સવારની લોકપ્રિય 'પદયાત્રા' અને સામાન્ય ભક્તો માટેનો 'દર્શન' કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમના મેનેજમેન્ટ દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે.

દેશ-વિદેશમાં ભગવાન શ્રી રાધા-કૃષ્ણના નામ જપનો મહિમા પ્રસારિત કરનારા પૂજ્ય પ્રેમાનંદ મહારાજની એક ઝલક મેળવવા માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આતુર હોય છે. દરરોજ વહેલી સવારે પ્રેમાનંદ મહારાજ તેમના નિવાસસ્થાનથી શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમ સુધી ચાલીને જાય છે, જેને ભક્તો પદયાત્રા તરીકે ઓળખે છે. આ યાત્રા દરમિયાન પરિક્રમા માર્ગ પર ભક્તોની ભારે ભીડ એકત્રિત થાય છે. જોકે, આ દૈનિક શોભાયાત્રા હવે આગામી આદેશ સુધી બંધ રહેશે.

એકાંતિક વાર્તાલાપ પર પણ બંધ

આશ્રમ પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, પદયાત્રા ઉપરાંત પૂજ્ય મહારાજશ્રી સાથે થનારો વ્યક્તિગત સંવાદ એટલે કે 'એકાંતિક વાર્તાલાપ' અને વિશેષ દર્શન પણ હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે. સંત પ્રેમાનંદના સ્વાસ્થ્યમાં નરમાઈ જોવા મળતા આશ્રમ મેનેજમેન્ટે આ મોટો નિર્ણય લીધો છે.

આશ્રમના સભ્યો અને મહારાજશ્રીના શિષ્યોએ પુષ્ટિ કરી છે કે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા અને આરામને પ્રાથમિકતા આપવા માટે આ બંને મુખ્ય કાર્યક્રમો આગામી સૂચના સુધી સ્થગિત રહેશે. દરરોજ સવારે 'શ્રી કૃષ્ણ શરણમ' થી લઈ શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમ સુધીના પરિક્રમા માર્ગ પર દર્શનની આશાએ એકઠા થતા હજારો ભક્તોમાં આ નિર્ણયથી નિરાશા વ્યાપી ગઈ છે.

લાંબા સમયથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા છે મહારાજશ્રી

અત્રે નોંધનીય છે કે પૂજ્ય પ્રેમાનંદ મહારાજ લાંબા સમયથી કિડની સંબંધિત ગંભીર બીમારીથી પીડિત છે. તેઓ નિયમિત ધોરણે ડાયાલિસિસની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેના કારણે ઘણીવાર તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. અગાઉ પણ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને કારણે તેમની પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ભૂતકાળમાં પણ પદયાત્રા અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવી હતી.