વિરાટ કહોલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદજી મહારાજના દરબારમાં હતા ત્યારે મહારાજે શું ઉપદેશ આપ્યો?

આજે અમે તમને જણાવીશું કે જ્યારે વિરાટ કહોલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદજી મહારાજના દરબારમાં બેઠા હતા ત્યારે તેઓએ શું ઉપદેશ આપ્યો હતો અને શેના વિશે વાત કરી હતી.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Tue, 21 Apr 2026 04:46 PM (IST)Updated: Tue, 21 Apr 2026 06:06 PM (IST)
premanand-maharajs-vrindavan-ashram-advise-to-virat-kohli-and-anushka-sharma

Premanand Maharaj: તાજેતરમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદજી મહારાજના દરબારમાં પહોંચ્યા હતા. તેઓએ પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ તો લીધા સાથે લાંબો સમય બેસી તેમના પ્રવચનનો લાભ પણ લીધો હતો. આજે અમે તમને જણાવીશું કે જ્યારે વિરાટ કહોલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદજી મહારાજના દરબારમાં બેઠા હતા ત્યારે તેઓએ શું ઉપદેશ આપ્યો હતો અને શેના વિશે વાત કરી હતી.

પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું હતું કે ભક્તિનો માર્ગ અહંકારના વિસર્જનનો માર્ગ છે. જ્યારે ભક્તિ સાચા અર્થમાં હૃદયમાં ઉતરે છે, ત્યારે વ્યક્તિનો અહંકાર સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. આ સ્થિતિમાં સાધકને દરેક વ્યક્તિમાં મહાનતા અને પરમાત્માના દર્શન થાય છે, જ્યારે પોતાની જાતમાં તે નમ્રતા અને અત્યંત લઘુતાનો અનુભવ કરે છે. સૂરદાસજી મહારાજ જેવા મહાન સંત, જેમના પદ સાંભળવા માટે સ્વયં ભગવાન આવતા હતા, તેઓ પણ વિનમ્રતાપૂર્વક કહેતા કે મારા જેવો બીજો કોઈ કુટિલ કે ખલ નથી. આ ભાવ કોઈ લઘુતાગ્રંથિ નથી, પરંતુ ભક્તિનો એવો ગાઢ રંગ છે જે હૃદયને પવિત્ર બનાવે છે.

સાચા ભક્તના લક્ષણો

પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે શાસ્ત્રો અને સંતોના મતે સાચો ભક્ત તે છે જે પોતાની જાતને તણખલા કરતા પણ નાનો સમજે છે અને અન્યને માન આપે છે. તે વૃક્ષ જેવી સહનશીલતા ધરાવે છે અને ક્યારેય પોતાના માટે માન-સન્માનની ઈચ્છા રાખતો નથી. હનુમાનજી મહારાજ જેવા જ્ઞાનીઓના અગ્રણી સંત પણ જ્યારે વિભીષણજીને મળે છે, ત્યારે અત્યંત નમ્રતા સાથે પોતાનો પરિચય આપે છે અને ભગવાનની કૃપાનો જ મહિમા ગાય છે. એવી જ રીતે શબરી માતા પણ ભગવાન રામ સમક્ષ પોતાની મતિને મંદ અને જાતને અધમ ગણાવે છે, જે તેમની અનન્ય ભક્તિનું પ્રતીક છે.

નિર્મળ મન અને પરમાત્માનો સાક્ષાત્કાર

ઘણાના મનમાં પ્રશ્ન હોય છે કે શું માત્ર મન નિર્મળ થવાથી ભગવાન મળે? આધ્યાત્મિક દૃષ્ટિએ નિર્મળ મન પોતે જ ભગવાનના નિવાસસ્થાન સમાન છે. જે રીતે અરીસો સાફ હોય તો જ તેમાં ચહેરો સ્પષ્ટ દેખાય છે, તેવી જ રીતે જ્યારે મનમાંથી કપટ, છળ અને મલિનતા દૂર થાય છે, ત્યારે તે નિર્મળ મન દર્પણ બની જાય છે અને તેમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આ મનને શુદ્ધ કરવા માટે સાંખ્ય યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ જેવા અનેક સાધનો બતાવવામાં આવ્યા છે.

કૃપાની ઓળખ કઈ રીતે થાય?

પ્રેમાનંદજી મહારાજ કહે છે કે જ્યારે મન ધીરે ધીરે શુદ્ધ થવા લાગે છે, ત્યારે વ્યક્તિની દુન્યવી વિષયો પ્રત્યેની રુચિ ઘટવા લાગે છે. સાચા સત્સંગનો પ્રભાવ એ છે કે સાધકને હવે માન-સન્માન, જયજયકાર કે ભીડ આકર્ષતી નથી. તેને બદલે એકાંતમાં બેસીને પ્રભુનું સ્મરણ કરવાની અને તેમના માટે રડવાની ઈચ્છા જાગે છે. જે ભોગ-વિલાસ માટે દુનિયા પાગલ છે, તેનાથી જ્યારે વ્યક્તિ દૂર ભાગવા લાગે અને એકાંતની શોધ કરે, ત્યારે સમજવું કે તેના પર સંતો અને ગુરુની અહેતુકી કૃપા થઈ છે. આ જ સાચા આધ્યાત્મિક જીવનની શરૂઆત છે.