Nag Pancham 2026 Date and Time: ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતનું અનેરું મહત્વ રહેલું છે. ગુજરાતમાં શ્રાવણ માસના તહેવારોની હારમાળામાં 'નાગ પાંચમ'નું પર્વ વિશેષ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. ગુજરાતી પંચાંગ અનુસાર, જન્માષ્ટમીના ત્રણ દિવસ પૂર્વે આવતો આ તહેવાર આ વર્ષે 01 સપ્ટેમ્બર, 2026 ના રોજ મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે નાગ દેવતાની પૂજા અને ઉપવાસનું વિશેષ માહાત્મ્ય રહેલું છે.
ઉત્તર ભારત અને ગુજરાતની તિથિમાં તફાવત કેમ?
ભારતની વિવિધતા તેના તહેવારોની ઉજવણીમાં પણ જોવા મળે છે. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત કેલેન્ડર અનુસરવામાં આવે છે, જેના કારણે ત્યાં શ્રાવણ સુદ પાંચમ (નાગ પંચમી) ઉજવાય છે. જ્યારે ગુજરાતમાં અમાંત કેલેન્ડર મુજબ શ્રાવણ વદ પાંચમના રોજ 'નાગ પાંચમ' ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં 17 ઓગસ્ટના રોજ નાગ પંચમી ઉજવાશે, જ્યારે ગુજરાતમાં તેના 15 દિવસ બાદ એટલે કે 01 સપ્ટેમ્બરના રોજ આ પર્વ મનાવવામાં આવશે.
નાગ પાંચમનું ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર દિવસે વાસુકી, આદિશેષ, અનંત, પદ્મનાભ અને તક્ષક જેવા નવ નાગ દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને નાગ દેવતાની પૂજા કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી કાલસર્પ દોષ અને સર્પ ભયમાંથી મુક્તિ મળે છે.
પૂજાનું શુભ મુહૂર્ત
આ વર્ષે નાગ પાંચમ નિમિત્તે પૂજા માટે સવારે માત્ર 51 મિનિટ નો શ્રેષ્ઠ સમયગાળો મળી રહ્યો છે.
- તારીખ: 01 સપ્ટેમ્બર, 2026 (મંગળવાર)
- પંચમી તિથિ પ્રારંભ: 01 સપ્ટેમ્બર, સવારે 07:41 કલાકે
- પંચમી તિથિ સમાપ્તિ: 02 સપ્ટેમ્બર, સવારે 06:12 કલાકે
- પૂજા માટેનું શુભ મુહૂર્ત: સવારે 07:41 થી 08:33 વાગ્યા સુધી
- કુલ સમયગાળો: 51 મિનિટ
આ મંત્રોથી પૂજા કરો
सर्वे नागाः प्रीयन्तां मे ये केचित् पृथ्वीतले।
ये च हेलिमरीचिस्था येऽन्तरे दिवि संस्थिताः॥
ये नदीषु महानागा ये सरस्वतिगामिनः।
ये च वापीतडगेषु तेषु सर्वेषु वै नमः॥
અર્થ: અમે આ પૃથ્વી, આકાશ, સ્વર્ગ, સૂર્ય કિરણો, નદીઓ, કુવાઓ અને તળાવોમાં રહેતા સાપોને પ્રણામ કરીએ છીએ અને તેઓ બધા આપણને આશીર્વાદ આપે.
अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलम्।
शङ्ख पालं धृतराष्ट्रं तक्षकं कालियं तथा॥
एतानि नव नामानि नागानां च महात्मनाम्।
सायङ्काले पठेन्नित्यं प्रातःकाले विशेषतः।
तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत्॥
અર્થઃ જો નવ સર્પ દેવતાઓ અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કમ્બલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિયાના નામનો દરરોજ સવારે નિયમિત જાપ કરવામાં આવે તો તે તમામ દુષણોથી રક્ષણ કરશે અને જીવનમાં વિજય મેળવશે.
