અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે મોરારીબાપુની અમેરિકામાં 40મી રામકથા;તુલસી જન્મોત્સવની વિશેષ ઉજવણી

મોરારીબાપુની 40મી રામકથા અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં 15મી ઓગસ્ટે શરૂ થઈ છે, જેમાં તુલસી જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ કથામાં ભારતના 50 કથાકારો પણ જોડાયા છે અને સાંજે વિદ્વાનોના વ્યાખ્યાનોનો લાભ પણ મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 16 Aug 2026 11:23 PM (IST)Updated: Sun, 16 Aug 2026 11:23 PM (IST)
morari-bapus-40th-ramkatha-in-usa-harvard-university-host-manas-guru-prasad-to-celebrate-tulsi-jayanti

Morari Bapu’s 40th Ramkatha in USA:મોરારીબાપુના કુલ કથાક્રમની 982મી રામકથાના મંગલ ગાનનો અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતેથી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે આરંભ થયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની ધરતી પર આ પહેલા 39 વખત બાપુ કથા ગાન કરી ચૂક્યા છે.અમેરિકામાં તલગાજરડી વ્યાસપીઠ 40 મી વખત શરૂ થઇ રહી છે. આ કથા લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા આયોજીત કરવામાં આવી છે.

આ વખતે રામકથાની વિશેષતા એ છે કે મોરારી બાપુ અમેરિકા ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં બાપુ અમેરિકામાં ભારતના પચાસ કથાકારોને લઇ ગયા છે.

અત્રે એ યાદ રાખવું ઘટે કે મોરારી બાપુએ વર્ષ 2010 થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ કરેલો. કલિ પાવનાવતાર તુલસીદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિ સ્વરુપે બાપુએ કૈલાસ ગુરુકુળ, મહુવાથી તુલસી જન્મ જયંતિના અવસરે ભારતના વિવિધ પ્રાંતના રામકથાના ગાયકો, કથા વાચકો, રામ ચરિત માનસના ચિંતનકારો તથા રામ કથા સંદર્ભમાં યોગદાન આપનારી સંસ્થાઓ પૈકી કોઇ એકની પસંદગી કરીને એમના યોગદાન બદલ તુલસી એવૉર્ડથી તેમને વિભુષિત કરવાનો ઉપક્રમ 2010થી આરંભાયો છે.

એ પછી તુલસી એવૉર્ડની સાથોસાથ વ્યાસ એવૉર્ડ અને વાલ્મીકિ એવૉર્ડનો પણ આ ઉપક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો. વર્ષ 2010 થી 2024 સુધી પ્રતિવર્ષ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થતું રહ્યું. ગત વર્ષે તુલસીદાસજીના જન્મ સ્થાન રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અમેરિકા માં યોજાશે.

મોરારી બાપુ માટે રામચરિત માનસ સ્વયં સદ્ગુરુ છે. પ્રભુ રામનું એ વાંગ્મય સ્વરુપ છે. એના રચનાકાર માટે પ્રતિવર્ષ તુલસીદાસજીના પાવન સ્મરણમાં રામચરિત માનસ અને રામાયણ પર વિશેષ ચિંતન મનન માટે સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકો પોતાનું નવું ચિંતન પ્રસ્તુત કરે છે. મોરારી બાપુ શ્રોતા તરીકે વિનમ્રતા અને એકાગ્રતાથી રામાયણ વિશેના નવા વિચારોનું શ્રવણ કરે છે.
રામ કથા ની સાથોસાથ સાયંકાલીન સભામાં વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોના શ્રવણનો લાભ શ્રોતાઓ પ્રાપ્ત કરશે. પંદરમી ઓગસ્ટ - ભારતના સ્વતંત્રતા દિવસે આ કથા આરંભાઇ રહી છે એ સુંદર યોગાનુયોગ છે.