Morari Bapu Motivational thoughts: રામકથાનું નામ આવે એટલે પૂજ્ય મોરારી બાપુનું નામ પહેલા આવે. તેઓ ગુજરાત સહિત ભારતભરમાં રામકથા કરી અનેક લોકોના જીવનમાંથી નિરાશા અને દુ:ખને કઈ રીતે હરાવવું તેની પ્રેરણા આપે છે. તેની કથામાંથી જ કેટલી જીવન ઉપયોગી વાતોને તારવીને અહીં તમારી સમક્ષ લાવવો પ્રયાસ કર્યો છે.
જીવનમાં 12 વર્ષનું મહત્વ અને શુકદેવજીની પરિપક્વતા
મોરારી બાપુએ પોતાની કથામાં એક ખૂબ જ મહત્વની વાત કહી કે માનવીના જીવનમાં દર 12 વર્ષે એક મોટો વળાંક આવે છે. તેમણે શુકદેવજીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેઓ 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા હતા. આ વાતને માત્ર શારીરિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવાને બદલે તેના મર્મ પર ભાર મૂકતા બાપુએ કહ્યું કે, આ 12 વર્ષ એ 'પરિપક્વતા' નો સમય હતો. શુકદેવજીનો નિર્ણય હતો કે જ્યાં સુધી તેઓ પૂર્ણપણે પકાય નહીં ત્યાં સુધી બહાર નથી નીકળવું. આપણી જિંદગીમાં પણ 12-12 વર્ષના પડાઉ આવે છે અને જો આપણે પાછળ ફરીને જોઈએ તો ખ્યાલ આવશે કે દરેક યુગમાં આપણામાં કેટલો બદલાવ આવ્યો છે.
સેવા: એક કઠિન પણ પરમ ધર્મ
સેવા વિશે વાત કરતા મોરારી બાપુએ જણાવ્યું કે સેવા એ સૌથી કઠિન ધર્મ છે. ઘણીવાર આપણને સેવા કરવાની ઈચ્છા હોય પણ સામેવાળો આપણી સેવા સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે મનમાં ગ્લાનિ ન અનુભવવી જોઈએ. સેવા મળવી એ ભાગ્ય છે, પરંતુ સેવા માટેનો ભાવ જાગવો એ તેનાથી પણ મોટી વાત છે. હનુમાનજી અને ભરતજીના જીવનનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, સેવામાં ક્યારેય 'ચૂક' ન થવી જોઈએ. જો સેવાનો મોકો ન મળે તો પણ આનંદમાં રહેવું જોઈએ, કારણ કે સેવાનો ભાવ તમારા હૃદયમાં પહેલેથી જ અંકિત છે.
શબ્દોથી ઇલાજ અને ફકીરોનો સંગ
આજના તણાવપૂર્ણ સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિશે બાપુએ કહ્યું કે, જો મનને તંદુરસ્ત રાખવું હોય તો ફકીરોનો સંગ કરવો જોઈએ. ફકીરો પાસે કોઈ મેડિકલ સ્ટોરની દવા નથી હોતી, પણ તેમની પાસે 'અલ્ફાઝ' એટલે કે શબ્દો હોય છે. તેમના મુખેથી નીકળતા પ્રેરણાદાયી શબ્દો જ વર્ષો જૂના માનસિક રોગોનો ઈલાજ કરી શકે છે. બાપુએ ભાર મૂક્યો કે કોઈ બુદ્ધ પુરુષ જ્યારે તમારા ખભે હાથ મૂકીને એમ કહે કે "બેટા ચિંતા ન કર, આ તો ચાલ્યા કરે", ત્યારે તે શબ્દ માત્રા 12 વર્ષનો યુગ બદલી નાખવાની શક્તિ ધરાવે છે.
માલ્યવંતની પ્રજ્ઞા અને સાચો સંગ
રાવણના મંત્રી માલ્યવંતનો ઉલ્લેખ કરતા બાપુએ તેમને 'અતિ સયાના' અને 'પ્રજ્ઞાવાન' ગણાવ્યા છે. સાચો મંત્રી કે સલાહકાર તે છે જે સામેવાળાનું પરમ કલ્યાણ ઈચ્છતો હોય. સંગત વિશે ચેતવણી આપતા તેમણે કહ્યું કે ખોટી સંગતથી 'મૂઢતા' આવે છે અને વિવેક નાશ પામે છે. નારદજી જેવા વિદ્વાન પણ જ્યારે વિષયમાં ફસાયા ત્યારે તેમનો વિવેક ડગી ગયો હતો. તેથી જ જીવનમાં કોનો સંગ કરવો તે સૌથી મહત્વનો નિર્ણય છે.
પ્રેમ અને પરમાનંદની પ્રાપ્તિ
બાપુએ બ્રહ્માનંદ અને પરમાનંદ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું કે, બ્રહ્માનંદમાં કદાચ આંસુ નથી હોતા પણ પરમાનંદમાં પ્રેમની ભીનાશ અને આંસુ હોય છે. પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ નથી, પણ આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. ગોપીઓના પ્રેમનો ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું કે ભગવાન પાસે માંગવાની છૂટ છે, પણ એ માંગણી માત્ર પ્રેમ અને દર્શનની હોવી જોઈએ. જે વ્યક્તિ પોતાની જાતને વેચવા તૈયાર નથી હોતી તેનું મૂલ્ય ઘણું વધારે હોય છે, પણ જ્યારે કોઈ લાલચમાં આવી પોતાની જાતને વેચવા તૈયાર થાય છે ત્યારે તેની કિંમત ઘટી જાય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
