Jignesh Dada Bhagwat Katha Dwarka: દેવભૂમિ દ્વારિકાની પવિત્ર ધરા પર રમેશચંદ્ર અમૃતલાલ ચગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચતુર્થ દિવસે ભક્તિ અને જ્ઞાનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને જીવનના ગૂઢ રહસ્યો અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા અનેક પ્રેરણાત્મક વાતો કહી હતી. તેમણે સમજાવ્યું હતું કે જન્મ લેવો એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ જીવન કેવી રીતે જીવવું તેનું દિશાદર્શન આપણા શાસ્ત્રો અને પુરાણો દ્વારા જ પ્રાપ્ત થાય છે.
જીગ્નેશ દાદાએ જણાવ્યું હતું કે આજના સમાજમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. વિચારે કંઈક, કહે કંઈક બીજું અને કરે પણ કહીંક ત્રીજું. આવા લોકોથી સાવધાન રહેવું. બહારથી સારો દેખાતો માણસ હંમેશા અંદરથી સારો હોય તે ધારી લેવું યોગ્ય નથી.
જીવન જીવવાની દ્રષ્ટિ અને શિસ્ત
જીગ્નેશ દાદાએ પ્રેરણા આપતા જણાવ્યું હતું કે મનુષ્ય જે કાંઈ સર્જન કરે છે તેને તે વશ થઈ જાય છે, જ્યારે પરમાત્મા પોતાના સર્જનને ક્યારેય આધીન થતા નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે આજના યુગમાં કેલ્ક્યુલેટર વગર મનુષ્ય અપંગ જેવો થઈ જાય છે, જ્યારે પહેલાના વડીલો વેઢા ગણીને સચોટ હિસાબ કરી દેતા હતા. જીવનમાં સફળતા અને યશ ત્યારે જ શોભે છે જ્યારે તેના પર ભગવાનની કૃપા વર્ષે છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોનો યશ આજે પણ અકબંધ છે કારણ કે તેમણે યશરૂપ પરમાત્માને ભજ્યા હતા.
વૈરાગ્ય અને અંતરની શુદ્ધિ
ત્યાગ અને વૈરાગ્ય વિશે વાત કરતા પૂજ્ય દાદાએ ટકોર કરી હતી કે માત્ર બાહ્ય વેશ બદલવાથી વૈરાગ્ય આવતો નથી; સાચો વૈરાગ્ય અંતરની ઈચ્છાઓના ત્યાગથી આવે છે. તેમણે જણાવ્યું કે ઘણા લોકો ઉપરથી સારા દેખાય છે પણ અંદરથી મોહથી ભરેલા હોય છે. જેમ વૃક્ષને મૂળમાંથી કાઢવું પડે તેમ કામ, ક્રોધ, લોભ અને મોહને પણ મૂળમાંથી ઉખેડવા પડે છે. ક્રોધ વિશે તેમણે માર્મિક વાત કહી કે કોઈ માણસ જો એમ કહે કે મને ક્રોધ આવતો જ નથી, તો તે જૂઠું બોલે છે; ક્રોધને મારી શકાતો નથી પણ તેના પર સંયમ રાખી શકાય છે.
સંતાનોને સંપત્તિ નહીં, સંસ્કારનો વારસો આપો
માતા-પિતાને સંબોધતા તેમણે કહ્યું કે સંતાનોને વારસામાં માત્ર ભૌતિક સંપત્તિ આપવાને બદલે સારા વિચારો અને સંસ્કારોનું ભાથું આપવું જોઈએ. કથા માત્ર સાંભળવા ખાતર નહીં, પણ જીવનમાં ઉતારવા માટે હોવી જોઈએ. સંતાન જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે પરિવારે સ્ત્રીનું મન પ્રસન્ન રાખવું જોઈએ, કારણ કે માતાના વિચારોની અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે. જો જીવનમાં ભગવાનની કથાઓ ઉતરશે તો સંસારની કોઈ પણ વિકટ પરિસ્થિતિ મનુષ્યને દુઃખી કરી શકશે નહીં.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત
પૂજ્ય દાદાએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા એક પ્રેરક પ્રસંગ કહ્યો હતો. તેમણે જણાવ્યું કે ભગવાનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, પરંતુ તે અંધશ્રદ્ધામાં પરિવર્તિત ન થવી જોઈએ. તેમણે ગાંધીજીના જીવનનો એક દાખલો આપ્યો કે એક સ્ત્રી પોતાના બીમાર દીકરાને સાજો કરવા ગાંધીજીના પગ ધોઈને તે પાણી પીવડાવવા માંગતી હતી, ત્યારે ગાંધીજીએ તેને અંધશ્રદ્ધા છોડીને ડોક્ટર પાસે જવા સલાહ આપી હતી. આજના ટેકનોલોજીના યુગમાં બીમારી સમયે ડોક્ટર પાસે જવું એ જ યોગ્ય માર્ગ છે.
સમર્પણ અને ભાઈઓનો પ્રેમ
રામાયણના પ્રસંગો દ્વારા તેમણે ભાઈઓ વચ્ચેના અતૂટ પ્રેમની પ્રેરણા આપી હતી. ભગવાન રામ અને લક્ષ્મણનો પ્રેમ એવો હતો કે રામે કહ્યું હતું કે હું જાનકીનો ત્યાગ કરી શકું પણ લક્ષ્મણનો નહીં. પરિવારમાં જો આવી એકતા અને મર્યાદા હશે તો જ સાચા અર્થમાં રામરાજ્યની સ્થાપના થશે. અંતમાં તેમણે જીવનનું સૂત્ર આપતા કહ્યું કે તમે જેને માનો છો - પછી તે ગુરુ હોય કે ભગવાન તેનું માનતા પણ શીખો, કારણ કે આજ્ઞાનું પાલન એ જ સાચી ભક્તિ છે.
