Jagannath Rath Yatra 2026 Date: હિન્દુ ધર્મમાં આસ્થાના પ્રતિક સમાન અને ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત આ ભવ્ય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. વર્ષ 2026 માં આ ઐતિહાસિક રથયાત્રા 16 જુલાઈ ના રોજ યોજાશે.
જગન્નાથ રથયાત્રા 2026 તારીખ
હિન્દુ પંચાંગ અનુસાર, અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ એટલે કે અષાઢી બીજની તિથિનો પ્રારંભ 15 જુલાઈ, 2026 ના રોજ સવારે 11:50 વાગ્યે થશે. આ તિથિ બીજા દિવસે 16 જુલાઈ ના રોજ સવારે 08:52 વાગ્યે પૂર્ણ થશે. જ્યોતિષશાસ્ત્રના ઉદયાતિથિના નિયમ અનુસાર, જગન્નાથ રથયાત્રાનું પર્વ 16 જુલાઈ, 2026 ને ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે.
રથયાત્રા પાછળની પૌરાણિક કથા
શાસ્ત્રોક્ત માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન જગન્નાથ અને બલભદ્ર તેમને રથમાં બેસાડીને નગરચર્યા માટે લઈ ગયા હતા. આ યાત્રા દરમિયાન તેઓ માસીના ઘરે રોકાયા હતા. તે સમયથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ અવિરતપણે રથયાત્રાના સ્વરૂપે ઉજવવામાં આવે છે.
રથોની રચના અને વિશેષતા
રથયાત્રામાં મુખ્યત્વે ત્રણ રથોનો સમાવેશ થાય છે, જેની વિશેષતાઓ અદ્ભુત છે:
- નંદીઘોષ: ભગવાન જગન્નાથનો રથ.
- તાલધ્વજ: મોટા ભાઈ બલભદ્રનો રથ.
- દર્પદલન: બહેન સુભદ્રાનો રથ.
આ રથોના નિર્માણ માટે 'દારુ' (લીમડા) ના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ભવ્ય રથોના નિર્માણમાં કોઈપણ પ્રકારની ખીલી, સ્ક્રૂ કે ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. રથ નિર્માણનું કાર્ય પરંપરાગત રીતે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી શરૂ થાય છે. શોભાયાત્રા દરમિયાન મર્યાદા પુરુષોત્તમની પરંપરા મુજબ, સૌથી આગળ બલભદ્રનો રથ, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ અને અંતમાં ભગવાન જગન્નાથનો રથ ચાલે છે.
આધ્યાત્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહત્વ છે, જેમાં પુરીના જગન્નાથ મંદિરનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, રથયાત્રામાં ભાગ લેવો કે તેના સાક્ષી બનવું એ 1000 યજ્ઞ કરવા સમાન પુણ્યદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રથયાત્રાના દર્શનથી ભક્તો પાપમુક્ત થાય છે અને તેમને ભગવાન વિષ્ણુ તથા દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
