Ahmedabad Rath Yatra 2026 Date: ઓડિશાના પુરી પછી દેશની બીજા ક્રમની સૌથી મોટી ગણાતી અમદાવાદની રથયાત્રાને લઈને ભક્તોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026 માં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા અષાઢી બીજના પાવન પર્વે યોજાશે. આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળીને લાખો ભક્તોને દર્શન આપશે.
રથયાત્રા 2026 તારીખ અને સમય (Rath Yatra 2026 Date and Timings)
ગુજરાતી પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં અષાઢી સુદ બીજની તિથિનો પ્રારંભ 15 જુલાઈના રોજ સવારે 11:50 વાગ્યે થશે, જે 16 જુલાઈના રોજ સવારે 08:52 વાગ્યે પૂર્ણ થશે. ઉદયાતિથિના નિયમ મુજબ, 149મી રથયાત્રા 16 જુલાઈ, 2026 ને ગુરુવારના રોજ યોજાશે.
દર વર્ષની પરંપરા મુજબ, જમાલપુર સ્થિત 400 વર્ષ જૂના ઐતિહાસિક જગન્નાથજી મંદિરથી સવારે 7:00 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે. અમદાવાદના કોટ વિસ્તારમાં આશરે 16 કિલોમીટરના રૂટ પર ફરીને રાત્રે 8:00 વાગ્યે રથો નીજમંદિરે પરત ફરશે.
રથયાત્રાના દિવસે શુભ મુહૂર્ત (16 જુલાઈ, 2026)
- બ્રહ્મ મુહૂર્ત: 04:13 AM થી 04:54 AM
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:00 PM થી 12:55 PM
- વિજયા મુહૂર્ત: 02:46 PM થી 03:41 PM
- અમૃત કલામ: 06:23 PM થી 07:52 PM
- રવિ યોગ: 07:52 PM થી 17 જુલાઈ સવારે 05:35 AM સુધી
રથયાત્રાનો રૂટ: ક્યાંથી પસાર થશે ભગવાનનો રથ?
ભગવાનની આ નગરચર્યા બે તબક્કામાં વહેંચાયેલી છે:
રથયાત્રાનો જવાનો રૂટ: યાત્રા જમાલપુર ચકલાથી શરૂ થઈને વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂના ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈને સરસપુર પહોંચશે. સરસપુર એ ભગવાનનું મોસાળ ગણાય છે, જ્યાં ભક્તો માટે 'મહાભોજ'નું આયોજન કરવામાં આવે છે.
રથયાત્રાનો પરત ફરવાનો રૂટ: બપોર બાદ યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર હલીમની ખડકી, રંગીલા પોલીસ ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેક ચોક અને ખમાસા થઈને સાંજે જમાલપુર મંદિરે પરત ફરશે.
