Hanuman Janmotsav 2026: અમદાવાદના પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

હનુમાનજી પોતાની શક્તિ અને સામર્થ્યનું ચતુરાઈ અને બુદ્ધિ પૂર્વક પ્રયોગ કરીને ભક્તોના દુઃખ દૂર કરે છે તેથી તેઓ સંકટમોચન, સંકટહર્તા અને મંગળકારી કહેવાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 02 Apr 2026 07:56 PM (IST)Updated: Thu, 02 Apr 2026 07:56 PM (IST)
hanuman-janmotsav-2026-devotees-throng-nagarvel-hanuman-temple-and-grand-celebration-of-hanuman-janmotsav

Hanuman Janmotsav 2026:અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનદાદાને સિંદૂર, તેલ, ફૂલ-હાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી.

મંદિર ખાતે સવારે ઉત્થાપન આરતી અને ત્રિયંજન, મંદિર ધ્વજારોહણ,સુંદરકાંડના પાઠનું આયોજન,બપોરે 12 થી 12.30 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન સાથે છપ્પનભોગ અન્નકૂટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી સાથે-સાથે મહાપ્રસાદી (ભંડારો), મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

આ પ્રસંગે મંદિરના મહંત રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને પ્રવચન દ્વારાશ્રી હનુમાનજીની મહત્તા અને મહિમાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે ભક્તો દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને મંદિરનાં પટાંગણ ખાતે જન્મોત્સવની ઉજવણી રંગે ચંગે ભક્તિભાવથી કરી રહ્યા છે.

naidunia_image

હનુમાન જન્મોત્સવની ઉજવણી એટલે હનુમાનજીની ભક્તિ, ઉપાસના, સાધના દ્વારા સિધ્ધિ અને સુખ-સમૃધ્ધિ મેળવવાનો આ અનેરો અવસર છે.શ્રી હનુમાનજી ભગવાન શિવના અંશાવતાર છે,એમનામાં રુદ્રત્વ અને શિવત્વનો સમન્વય થયો છે.શ્રી હનુમાનજીનું સ્મરણ કરવાથી બળ,યશ,બુધ્ધિ,ચેતના અને ધૈર્યની પ્રાપ્તિ થાય છે.હનુમાનજી પોતાની શક્તિ અને સામર્થ્યનું ચતુરાઈ અને બુદ્ધિ પૂર્વક પ્રયોગ કરીને ભક્તોના દુઃખ દૂર કરે છે તેથી તેઓ સંકટમોચન, સંકટહર્તા અને મંગળકારી કહેવાય છે.હનુમાનજીની કૃપાથી તેમનાં દર્શનથી ભક્તિમાં એક સકારાત્મક ઉર્જા અને શક્તિનો અનુભવ થાય છે,કેમકે હનુમાનજી શક્તિ અને સામર્થ્યના દેવ પણ કહેવાય છે અને આ કળિયુગમાં સાક્ષાત છે.