Hanuman Janmotsav 2026 Date and Time: હિંમત, અતુલિત બળ અને નિઃસ્વાર્થ ભક્તિના પર્યાય સમાન ભગવાન હનુમાનના ભક્તો માટે 'હનુમાન જન્મોત્સવટ વર્ષનો સૌથી પવિત્ર દિવસ ગણાય છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ જન્મેલા સંકટમોચન હનુમાનજીની આરાધના માટે વર્ષ 2026 અત્યંત વિશેષ રહેવાનું છે, કારણ કે આ દિવસે અનેક દુર્લભ ગ્રહ નક્ષત્રોનો સંયોગ બની રહ્યો છે.
હનુમાન જન્મોત્સવ તારીખ અને શુભ મુહૂર્ત (Hanuman Janmotsav 2026 Date)
દ્રિક પંચાંગના આંકડાઓ અનુસાર, ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવશે.
- પૂર્ણિમા તિથિ પ્રારંભ: 1 એપ્રિલ, 2026 (રાત્રિના સમયથી).
- પૂર્ણિમા તિથિ સમાપ્તિ: 2 એપ્રિલ, 2026 (સાંજના સમયે).
ઉદયતિથિ મુજબ, હનુમાન જન્મોત્સવ 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ ઉજવાશે.
નોંધનીય છે કે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત વાર છે અને હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હોવાથી આ સંયોગ ભક્તો માટે આધ્યાત્મિક રીતે અત્યંત ફળદાયી રહેશે. પૂજા માટે વહેલી સવાર (બ્રહ્મ મુહૂર્ત) અને સાંજનો સમય (ગોધૂલી બેલા) સર્વોત્તમ માનવામાં આવે છે.
સરળ પૂજા વિધિ અને વિશેષ ઉપાય
- ભગવાન હનુમાન શુદ્ધ ભાવથી કરેલી અલ્પ પૂજાથી પણ પ્રસન્ન થાય છે.
- સવારે સ્નાન કરી લાલ અથવા પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
- એક ચોકી પર લાલ કાપડ પાથરી હનુમાનજીની મૂર્તિ કે છબી સ્થાપિત કરવી.
- સિંદૂર અને ચમેલીના તેલનું મિશ્રણ કરી હનુમાનજીને પવિત્ર 'ચોલા' ચઢાવવો.
- હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા બજરંગ બાણના પાઠ કરવા.
- બજરંગબલીને બેસનના લાડુ, બુંદી અથવા ગોળ-ચણાનો ભોગ ધરાવવો.
- હનુમાનજીને ધરાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન અવશ્ય મૂકવા, કારણ કે તુલસી વિના તેમનો ભોગ અધૂરો માનવામાં આવે છે.
શા માટે 'જયંતિ' નહીં પણ 'જન્મોત્સવ'?
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, હનુમાનજી 'ચિરંજીવી' છે, એટલે કે તેઓ સદેહે પૃથ્વી પર બિરાજમાન છે અને અમર છે. તેથી તેમના જન્મદિવસને 'જયંતિ' (જે મૃત્યુ પામ્યા હોય તેમના માટે વપરાતો શબ્દ) કહેવાને બદલે 'જન્મોત્સવ' તરીકે ઓળખવો વધુ તર્કસંગત અને આદરણીય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે જે ભક્ત સાચા હૃદયથી હનુમાનજીનું શરણ લે છે, તેના જીવનના તમામ શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે.
