Gujarati New Year 2026 Date and Muhuarat: દિવાળીના દીવડાઓના પ્રકાશ સાથે જ ગુજરાતમાં નવા વર્ષના વધામણાંની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગુજરાતી સંસ્કૃતિમાં દિવાળીના બીજા દિવસે આવતા 'બેસતા વર્ષ'નું વિશેષ મહત્વ છે. આગામી વિક્રમ સંવત 2083 નો પ્રારંભ 10 નવેમ્બર, 2026 ના રોજ થશે. આ દિવસે ગુજરાતભરમાં લોકો એકબીજાને 'સાલ મુબારક' પાઠવીને નવા વર્ષની ઉજવણી કરશે.
ગુજરાતી નવું વર્ષ 'બેસતું વર્ષ' ક્યારે છે?
વિક્રમ સંવત કેલેન્ડર અનુસાર, ગુજરાતી નવું વર્ષ કારતક સુદ એકમ (પ્રતિપદા) ના રોજ ઉજવાય છે. પંચાંગ મુજબ, પ્રતિપદા તિથિનો પ્રારંભ 09 નવેમ્બર, 2026 ના રોજ બપોરે 12:31 કલાકે થશે અને 10 નવેમ્બર, 2026 ના રોજ બપોરે 02:00 કલાકે પૂર્ણ થશે. ઉદયાતિથિના શાસ્ત્રોક્ત નિયમ અનુસાર, ગુજરાતી નવું વર્ષ એટલે કે 'બેસતું વર્ષ' 10 નવેમ્બર, 2026 ના રોજ મનાવવામાં આવશે.
વેપારીઓ માટે ચોપડા પૂજનનું મહત્વ
ગુજરાતી વેપારી વર્ગ માટે આ દિવસ નાણાકીય વર્ષનો પ્રારંભ ગણાય છે. આ દિવસે વેપારીઓ જૂના હિસાબના ચોપડા બંધ કરી, નવા ચોપડાનું વિધિવત પૂજન કરે છે. ચોપડા પર કંકુથી 'શુભ' અને 'લાભ' લખીને દેવી લક્ષ્મી અને સરસ્વતીના આશીર્વાદ માંગવામાં આવે છે, જેથી આગામી વર્ષ વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો લાવે. સામાન્ય રીતે લાભ પાંચમ સુધી બજારો બંધ રહે છે, પરંતુ મુહૂર્ત સાચવવા માટે દિવાળી કે બેસતા વર્ષે દુકાનો ખોલી પૂજન કરવામાં આવે છે.
પૌરાણિક કથા: ગોવર્ધન પૂજા
બેસતા વર્ષને 'વર્ષા-પ્રતિપદા' કે 'પડવા' પણ કહેવાય છે. તેની ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથા મુજબ, ભગવાન કૃષ્ણએ ગોકુળવાસીઓને ઈન્દ્રની પૂજા કરવાને બદલે પ્રકૃતિ અને ગોવર્ધન પર્વતની પૂજા કરવા પ્રેર્યા હતા. ઈન્દ્રના કોપથી બચાવવા ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. ત્યારથી આ દિવસને નવા વર્ષ અને ગોવર્ધન પૂજા તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે.
બેસતું વર્ષ 2026: પૂજા માટેના શુભ મુહૂર્ત
- બ્રહ્મ મુહૂર્ત: 05:07 AM થી 05:58 AM
- પ્રાતઃ સંધ્યા: 05:33 AM થી 06:50 AM
- અભિજિત મુહૂર્ત: 12:01 PM થી 12:46 PM
- વિજય મુહૂર્ત: 02:15 PM થી 02:59 PM
- ગોધૂલી મુહૂર્ત: 05:57 PM થી 06:23 PM
- સાયાહ્ન સંધ્યા: 05:57 PM થી 07:14 PM
- અમૃત કાલ: 11 નવેમ્બર, 12:14 AM થી 01:59 AM
- નિશિતા મુહૂર્ત: 11:58 PM થી 12:49 AM (11 નવેમ્બર)
