Chandra Grahan 2026 Time in Ahmedabad: અમદાવાદમાં ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો નજારો, જાણો સૂતક કાળ સમાપ્તિનો સમય

Chandra Grahan (Lunar Eclipse) 2026 Time in Ahmedabad: વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે યોજાવા જઈ રહ્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 03 Mar 2026 03:10 PM (IST)Updated: Tue, 03 Mar 2026 05:06 PM (IST)
chandra-grahan-lunar-eclipse-2026-local-timings-sutak-kaal-in-ahmedabad-gujarat

Chandra Grahan (Lunar Eclipse) 2026 Time in Ahmedabad: વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે યોજાવા જઈ રહ્યું છે. ખગોળ વિજ્ઞાન અનુસાર આ એક સામાન્ય ઘટના છે જેમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં તેનું ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે ભારતભરમાં આ ગ્રહણ 'ગ્રસ્તોદય' સ્વરૂપે જોવા મળશે.

Chandra Grahan 2026 Time in Ahmedabad: ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો કેટલો છે?

ભારતીય માનક સમય (IST) મુજબ, ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને 6:46 વાગ્યે સમાપ્ત થશે. આનો અર્થ એ કે આ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો આશરે 3 કલાક અને 26 મિનિટનો રહેશે.

ચંદ્રગ્રહણ અને સુતક સમય (Sutak Kaal Timing)

ચંદ્રગ્રહણ શરૂ બપોરે 3:20 (ભારતીય સમય)
ચંદ્રગ્રહણ ખગ્રાસ શરૂ 4:34 વાગ્યે
ગ્રહણનું મધ્ય 5:3 વાગ્યે
ચંદ્રગ્રહણ સમાપ્ત 6:47 વાગ્યે
ચંદ્રગ્રહણ ખગ્રાસ માત્ર 59 મિનિટ

ભારતમાં દૃશ્યતા અને સમયગાળો

ભારતીય માનક સમય (IST) અનુસાર, આ આંશિક ચંદ્રગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે. જોકે, ભારતમાં તે સમયે સૂર્યપ્રકાશ હોવાથી ગ્રહણ જોઈ શકાશે નહીં. ભારતના મોટાભાગના ભાગોમાં જ્યારે ચંદ્રોદય થશે, ત્યારે ગ્રહણ તેના અંતિમ તબક્કામાં હશે. આથી, ભારતીયોને આ ખગોળીય ઘટના નિહાળવા માટે માત્ર 20 થી 25 મિનિટનો સમય મળશે.

મુખ્ય સમયરેખા (ભારતીય માનક સમય):

  • ગ્રહણનો પ્રારંભ (સ્પર્શ): બપોરે 3:20 વાગ્યે
  • ગ્રહણનું મધ્યબિંદુ: સાંજે 5:05 વાગ્યે
  • ગ્રહણનો અંત (મોક્ષ): સાંજે 6:48 વાગ્યે
  • પેનુમ્બ્રા (ઉપછાયા)નો અંત: સાંજે 7:55 વાગ્યે

સૂતક કાળ અને ધાર્મિક માન્યતાઓ

જ્યોતિષશાસ્ત્ર મુજબ, ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પૂર્વે લાગે છે. આજે સવારે 6:20 વાગ્યાથી સૂતક કાળ શરૂ થઈ ગયો છે, જે સાંજે 6:48 વાગ્યે ગ્રહણના મોક્ષ સાથે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન દેશભરના મંદિરોમાં પૂજા-અર્ચના બંધ રાખવામાં આવે છે. પરંપરાગત માન્યતાઓ મુજબ, સૂતક દરમિયાન ભોજન રાંધવું કે જમવું વર્જિત માનવામાં આવે છે.

રાશિ અને નક્ષત્ર પર અસર

આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ રહ્યું છે. સિંહ રાશિમાં કેતુની હાજરી હોવાથી જ્યોતિષીઓ આ રાશિના જાતકોને માનસિક તણાવ અને સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે.

ગુજરાત અને અન્ય રાજ્યોમાં સ્થિતિ

ભારતમાં ચંદ્રોદયનો સમય અલગ-અલગ હોવાથી તેની અસર પણ ભિન્ન રહેશે:

પૂર્વ ભારત: પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં ચંદ્રોદય વહેલો થતો હોવાથી ત્યાં ગ્રહણ લાંબા સમય સુધી જોઈ શકાશે.

ગુજરાત (અમદાવાદ, સુરત): પશ્ચિમ ભારતમાં ચંદ્રોદય મોડો થતો હોવાથી ગુજરાતમાં ગ્રહણની દૃશ્યતા અત્યંત મર્યાદિત રહેશે. અહીંના નાગરિકો માત્ર 10 થી 20 મિનિટ સુધી જ આ નજારો જોઈ શકશે.

ભારત ઉપરાંત આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, રશિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં પણ દૃશ્યમાન થશે. વર્ષ 2026માં કુલ બે ચંદ્રગ્રહણ થવાના છે, પરંતુ ભારતમાં માત્ર આજનું ગ્રહણ જ જોઈ શકાશે. 28 ઓગસ્ટે થનારું બીજું ચંદ્રગ્રહણ ભારતમાંથી દૃશ્યમાન થશે નહીં.