પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે ૪૧મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન તારીખ ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવશે.ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૯:૦૦થી "શ્રીરામચરિતમાનસ"નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ ૩:3૦ વાગ્યેથી પરમ પૂજ્ય શ્રીરાઘવાચાર્યજી મહારાજના વ્યાસાસનથી "શ્રી વાલ્મીકિ રામાયણ કથા"ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે. શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા યોજાશે.
સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ
શારદીય નવરાત્રિ મહોત્સવમાં તારીખ:- ૦૪/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ બપોર બાદ ૩:૩૦થી ૨૬માં સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૬માં સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજ્ય રમેશબાબાજી મહારાજ,વ્રજ,ગોકુલને દેવર્ષિ એવોર્ડ, પ્રોફેસર રામચંદ્ર ભટ્ટ, બેંગ્લોરને બ્રહ્મર્ષિ અવોર્ડ, બંસીલાલજી રાઠી, ચેન્નઈને રાજર્ષિ એવોર્ડ અને સરદાર કન્યા વિદ્યાલય એવં છાત્રાલય, બારડોલી, સુરતના સુશ્રી નિરંજનાબેન કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ ગૌરવ એવોર્ડ સમારોહ ભાઇશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. જેનું લાઈવ ટેલીકાસ્ટ sandipani.tv યુ-ટયુબ ચેનલ પર થશે.
શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ મનોરથ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં ભાઈશ્રીના સાન્નિધ્યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા.૨૮-૦૯-૨૨ના રોજ કરુણામયી માતાજીના નૌકાવિહાર, તા.૦૧-૧૦-૨૨ ના રોજ જલ પુષ્પાભિષેક, તા. ૦૩-૧૦-૨૨, દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે. તારીખ ૦૫/૧૦/૨૦૨૧, વિજયાદશમીના અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તેમજ વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન થશે અને સાયંકાલે ૫:૦૦ વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજ્ય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે.
વિશેષ પૂજા-અનુષ્ઠાન મનોરથ
શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વૈદિક ટીમ દ્વારા સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથ સંપન્ન થશે. આ મનોરથમાં ભાવિકો જોડાઈ શકે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન તા.૦૪-૧૦-૨૦૨૨, મંગળવારના રોજ પોરબંદરની આગવી ઓળખ એવા વિશ્વપ્રસિદ્ધ મહેર દાંડિયા રાસ યોજાશે.આ સિવાય દરરોજ સાંજે શ્રીહરિ મંદિરના પરિસરમાં રાસ-ગરબા યોજાશે.
વિવિધ મેડીકલ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તારીખ:-૨૬/૦૯/૨૦૨૨ થી ૦૪/૧૦/૨૦૨૨ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી દંતયજ્ઞ કેમ્પ, તારીખ ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૮:30 થી ૧૨:30 સુધી નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૦૧/૧૦/૨૦૨૨ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાનાર પલ્મોનોલોજીકેમ્પ જેમાં રાજકોટના જાણીતા ડૉ.જયેશભાઈ ડોબરીયા તથા એન્ડોક્રાઈનોલોજી કેમ્પમાં અમદાવાદના ડૉ.વિવેકભાઈ આર્ય પોતાની સેવા આપશે. આ બન્ને કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી રાખવામાં આવેલ છે.
