Nutan Varshabhinandan 2026 Date and Time: દિવાળીના પર્વની ઉજવણી બાદ ગુજરાતીઓ આતુરતાથી નવા વર્ષની રાહ જુએ છે. નૂતન વર્ષાભિનંદન એટલે કે બેસતું વર્ષ ગુજરાતી પંચાંગ મુજબ કારતક સુદ એકમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી ગુજરાતી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે અને મંદિરોમાં દર્શન કરી સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીની પ્રાર્થના કરે છે.
નૂતન વર્ષાભિનંદન ક્યારે છે?
વર્ષ 2026માં નૂતન વર્ષાભિનંદન મંગળવાર, 10 નવેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસથી ગુજરાતી વિક્રમ સંવત 2083ની શરૂઆત થશે. ખાસ વાત એ છે કે આ વખતે દિવાળીના બીજા દિવસે નહીં, પરંતુ એક દિવસના અંતર બાદ ગુજરાતી નવું વર્ષ ઉજવાશે.
પંચાંગ અનુસાર, કારતક સુદ એકમ એટલે કે પ્રતિપદા તિથિ 9 નવેમ્બર 2026ના રોજ બપોરે 12:31 વાગ્યે શરૂ થશે અને 10 નવેમ્બરના રોજ બપોરે 2:00 વાગ્યે પૂર્ણ થશે. 10 નવેમ્બરે સૂર્યોદય સમયે પ્રતિપદા તિથિ હોવાથી ઉદયાતિથિની માન્યતા મુજબ આ જ દિવસે બેસતું વર્ષ મનાવવામાં આવશે.
નૂતન વર્ષાભિનંદન 2026 શુભ મુહૂર્ત
10 નવેમ્બર 2026ના રોજ પંચાંગ અનુસાર શુભ સમય નીચે મુજબ છે:
બ્રહ્મ મુહૂર્ત: સવારે 5:06 થી 5:58 વાગ્યા સુધી
અભિજિત મુહૂર્ત: બપોરે 12:01 થી 12:45 વાગ્યા સુધી
વિજય મુહૂર્ત: બપોરે 2:14 થી 2:59 વાગ્યા સુધી
ગોધૂલી મુહૂર્ત: સાંજે 5:57 થી 6:22 વાગ્યા સુધી
નૂતન વર્ષાભિનંદનનું મહત્વ
ગુજરાતી સંસ્કૃતિમાં નૂતન વર્ષાભિનંદનનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્વ છે. આ દિવસથી નવા ગુજરાતી વર્ષની શરૂઆત થાય છે. લોકો વહેલી સવારે સ્નાન કરીને નવાં કપડાં પહેરે છે અને મંદિરોમાં જઈને ભગવાનનાં દર્શન કરે છે. આ દિવસે પરિવારના વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે અને સગાં-સંબંધીઓ, મિત્રો તથા પરિચિતોને 'સાલ મુબારક' અને 'નૂતન વર્ષાભિનંદન' કહીને શુભેચ્છા પાઠવવામાં આવે છે. લોકો નવા વર્ષમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે.
વેપારી વર્ગ માટે પણ આ દિવસ ખાસ હોય છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યા બાદ નવા વર્ષમાં નવા હિસાબની શરૂઆત કરવામાં આવે છે. ગુજરાતનાં અનેક મંદિરોમાં આ પ્રસંગે અન્નકૂટ અને ગોવર્ધન પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે.
