Jaya Parvati Vrat 2025: જયા પાર્વતી વ્રતના દિવસે સાંભળો કથા, શિવ પાર્વતીના આશિર્વાદ મળશે

જયા પાર્વતી વ્રત 9 જુલાઈથી શરૂ થશે. આ દિવસે જયા પાર્વતી વ્રત કથા જરુર સાંભળવી જોઈએ, તેનાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ વ્રત કથા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 03 Jul 2025 03:17 PM (IST)Updated: Thu, 03 Jul 2025 03:17 PM (IST)
jaya-parvati-vrat-2025-date-in-gujarat-rituals-and-significance-of-gauri-vrat

Jaya Parvati Vrat 2025 Date Gujarat: આ વર્ષે જયા પાર્વતી વ્રત 9 જુલાઈથી શરૂ થશે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતમાં કન્યાઓ શિવ પાર્વતીની પૂજા કરે છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ દિવસે જયા પાર્વતી વ્રત કથા જરુર સાંભળવી જોઈએ, તેનાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ વ્રત કથા.

જયા પાર્વતી વ્રત કથા

ધાર્મિક ગ્રંથો પ્રમાણે પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. બંને ખૂબ જ દયાળુ હતા અને જીવમાત્ર પ્રત્યે દયા રાખતા હતા. તેમના જીવનમાં ધનની કોઈ કમી નહોતી, પણ તેમને હંમેશા સંતાનની આશા હતી જે ક્યારેય પૂરી થઈ નહિ. પતિ-પત્ની મનમાં સંતાન પ્રાપ્તિની ઇચ્છા રાખીને હંમેશા ભગવાન શિવની પૂજા અને ભક્તિમાં ડૂબેલા રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણ દંપતીની પૂજાથી ભગવાન શિવ ખુશ થઈને પ્રગટ થયા અને કહ્યું કે નજીકના જંગલમાં મારી એક મૂર્તિ છે અને તેની કોઈ ક્યારેય પૂજા કરતું નથી, તમે બંને ત્યાં જાઓ અને મારી તેની પૂજા કરો.

બ્રાહ્મણ દંપતી જંગલમાં ગયા અને ત્યાં શિવની મૂર્તિ મળી. બ્રાહ્મણ શિવની મૂર્તિ સાફ કરવા માટે પાણી શોધવા ગયો ત્યારે રસ્તામાં એક સાપે ડંખ મારતાં બ્રાહ્મણ જમીન પર બેભાન થઈ ગયો. લાંબા સમય સુધી જ્યારે બ્રાહ્મણ પાછો ન આવ્યો ત્યારે પત્ની ચિંતિત થઈને તેને શોધવા નીકળી પડી.

જો કે તેને બ્રાહ્મણ ક્યાંય મળ્યો નહિ, તે થાકીને મૂર્તિ પાસે બેસી ગઈ અને શિવજીની તપસ્યા કરવા લાગી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે બ્રાહ્મણને જીવન આપ્યું અને તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. આ કથા અનુસાર જે પણ સ્ત્રી સાચા હૃદયથી જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે તેને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે.