Dhanteras 2025: દર વર્ષે દિવાળીના બે દિવસ પૂર્વે આવતો ધનતેરસનો પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે આ શુભ પર્વ 18 ઓક્ટોબરના રોજ એટલે કે આગામી શનિવારના રોજ આવી રહ્યો છે. આ દિવસથી દિવાળીના પાંચ દિવસીય પર્વની શરૂઆત થઈ જાય છે. આ દિવસે ભગવાન ધનવન્તરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે.
હિન્દુ પરંપરા પ્રમાણે, આ દિવસે લોકો સોના-ચાંદીના ઘરેણા ખરીદે છે, જેને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. જો કે હાલ સોના-ચાંદીના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને મધ્યમ વર્ગની પહોંચની બહાર જતા રહ્યા છે. જો તમે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવામાં અસમર્થ હોવ, તો ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચો
સનાતન શાસ્ત્રોમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ છે, જેને ખરીદવી અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ એવી કઈ-કઈ વસ્તુઓ છે
- નવા વાસણ: ધનતેરસના દિવસે વાસણ ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને તાંબા કે પિત્તળના વાસણો ખરીદવાની પરંપરા છે. આ ધાતુનો સબંધ આરોગ્ય, પવિત્રતા અને સમૃદ્ધિ સાથે છે. જેને ઘરમાં લાવવાથી સૌભાગ્ય અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
- સાવરણી: ધનતેરસે સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે, જે ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે ખરીદવામાં આવેલ સાવરણી ઘરમાંથી દરિદ્રતા અને નેગેટિવ એનર્જીને દૂર કરે છે.
- જો કે એક વાતનું અચૂક ધ્યાન રાખજો કે, નવી સાવરણીનો ઉપયોગ એ જ દિવસે ના કરવો જોઈએ. જો કે તેને કોઈ સ્વચ્છ જગ્યાએ સાચવીને રાખવી જોઈએ.
- ધાણા: સૂકા ધાણા સમૃદ્ધિ અને આર્થિક ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા કરતી વખતે કેટલાક આખા ધાણાના દાણા લક્ષ્મી માતાને અર્પણ કરીને પછી તેને તમારી તિજોરી કે જ્યાં પૈસા રાખતા હોવ, તેવી જગ્યાએ રાખી દો. આમ કરવાથી ધન લાભના પ્રબળ યોગ બને છે.
- મીઠું: ધનતેરસે મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. મીઠું ઘરની પવિત્રતા અને સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. સિંધવ મીઠું ખરીદીને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
- ગોમતી ચક્ર: ગોમતી ચક્ર ધનની દેવી લક્ષ્મીને પ્રિય માનવામાં આવ્યું છે. જે દરિયાણી શંખ જેવું જ દેખાય છે, જેને ખરીદીને પૂજામાં રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. જેનાથી ધન સબધિત અડચણો દૂર થાય છે અને ઘરમાં કાયમી લક્ષ્મીનો વાસ થાય છે. જો ગોમતી ચક્ર પીળા રંગનું હોય, તો તેને વધારે શુભ માનવામાં આવે છે.
