Dhanteras Puja Vidhi 2026: ઘરમાં કેવી રીતે કરવી ધનતેરસની પૂજા? જુઓ સરળ વિધિ અને સામગ્રી લિસ્ટ

ધનતેરસ 2026ના દિવસે ઘરે કેવી રીતે કરવી પૂજા? જાણો શુભ મુહૂર્ત, પૂજા સામગ્રી અને ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી તથા કુબેર દેવની પૂજાની સરળ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 05 Nov 2026 10:32 AM (IST)Updated: Thu, 05 Nov 2026 10:32 AM (IST)
dhanteras-puja-vidhi-samagri-list

Dhanteras Puja Vidhi 2026: 6 નવેમ્બરના રોજ ધનતેરસના તહેવાર સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ રહી છે. આ દિવસે લોકો સોના-ચાંદી, વાસણો અને અન્ય શુભ વસ્તુઓની ખરીદી કરે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે છે. જો તમે પણ ઘરે પૂજા કરવાની તૈયારી કરી રહ્યા છો, તો જાણો ધનતેરસનું શુભ મુહૂર્ત, જરૂરી સામગ્રી અને પૂજાની સરળ રીત.

ધનતેરસ 2026ની તારીખ, તિથિ અને શુભ મુહૂર્ત

ગુજરાતી કેલેન્ડર અનુસાર, દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ત્રયોદશી તિથિનો પ્રારંભ 6 નવેમ્બર 2026 ના રોજ સવારે 10:30 વાગ્યે થશે અને તેનું સમાપન 7 નવેમ્બરના રોજ સવારે 10:47 વાગ્યે થશે. ઉદયા તિથિ અને પ્રદોષ કાળને ધ્યાનમાં રાખીને, ધનતેરસનો પવિત્ર તહેવાર 6 નવેમ્બર, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. ધનતેરસના દિવસે પૂજા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય પ્રદોષ કાળ માનવામાં આવે છે, જે 6 નવેમ્બરે સાંજે 05:59 થી 08:33 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળામાં પૂજા અને ખરીદી કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

ધનતેરસ પર પૂજા માટે કઇ સામગ્રી જરુરી

પૂજા માટે ગંગાજળ, કંકુ, હળદર, અક્ષત, ચંદન, ફૂલો, ફૂલોની માળા, ઘી અથવા તેલનો દીવો, અગરબત્તી, ધૂપ, પાણીનો લોટો અને આચમની રાખો. આ ઉપરાંત પ્રસાદ માટે ગોળ, ધાણા, બતાશા અથવા મીઠાઈ તથા પૂજામાં રાખવા માટે સોના-ચાંદીના સિક્કા કે નવાં વાસણો લઈ શકો છો. ચોકી પર પાથરવા માટે લાલ કે પીળું વસ્ત્ર પણ રાખવું.

ધનતેરસના દિવસે ઘરે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા કેવી રીતે કરવી?

ધનતેરસના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને ઘરની સફાઈ કરો. ત્યારબાદ ઘરના ઈશાન ખૂણામાં ચોકી ગોઠવી તેના પર લાલ કે પીળું કપડું પાથરો. ચોકી પર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરીને પૂજાની શરૂઆત કરો.

ત્યારબાદ ભગવાનને ગંગાજળ, કંકુ, ચોખા, હળદર અને ચંદન અર્પણ કરો. ફૂલો અને માળા ચઢાવી ધૂપ-દીવો પ્રગટાવો. ભગવાન ધન્વંતરિની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવો. માતા લક્ષ્મી અને કુબેર દેવને પણ ફૂલ, મીઠાઈ અને પ્રસાદ અર્પણ કરો. અંતમાં પરિવારના સભ્યો સાથે આરતી કરીને પ્રસાદ વહેંચો.