ચમત્કાર અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક શ્રી મોગલધામ 'ભગુડા': જાણો કેમ ગામમાં કોઈ નથી મારતું તાળા, શું છે 500 વર્ષ જૂનો ઇતિહાસ?

શ્રી મોગલધામ ભગુડા એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શ્રદ્ધા, ચમત્કાર અને માનવતાનું એક અનોખું પ્રતીક છે. જાણો ધાર્મિક ઈતિહાસ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 11 Jun 2026 06:00 AM (IST)Updated: Thu, 11 Jun 2026 06:00 AM (IST)
bhavnagar-bhaguda-mogal-dham-history-no-locks-tradition

Mogaldham Bhaguda history: શ્રી મોગલધામ ભગુડા એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શ્રદ્ધા, ચમત્કાર અને માનવતાનું એક અનોખું પ્રતીક છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું આ નાનકડું ગામ આજે મા મોગલના દૈવીય પ્રભાવને કારણે વિશ્વભરમાં જાણીતું બન્યું છે.

ભગવતી શ્રી મોગલમાંનો ઘણો જ ધાર્મિક ઈતિહાસ રહેલો છે. મોગલધામ ભગુડાના પ્રાંગણમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, અહીં કોઈ ભુવા, ડાક-ડમરુ કે અંધશ્રદ્ધાને સ્થાન નથી. મા મોગલનો કોઈ ભુવો નથી હોતો. લોકમુખેથી પણ માતાની ઘણી લોકવાયકાઓ છે. ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં આજે મોગલધામ ભગુડા વિશે વિગતવાર તમને જણાવશે.

naidunia_image

મા મોગલ અને ભગુડાનો ઈતિહાસ

કડીના સુબા અને આશરાધર્મની કથા

વર્ષો પહેલાં મુસ્લિમ શાસન દરમિયાન, કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેની નજર એક રાજપૂત કન્યા પર પડી, જે તેના પિતા માટે ખેતરે ભાતું (જમવાનું) લઈને જતી હતી. કન્યાના સૌંદર્યને જોઈ સુબાની દાનત બગડી અને તેણે તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પિતાએ ક્ષત્રિય ખુમારી દાખવી આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા.

આ સંકટ સમયે દીકરીએ રડતા હૃદયે દ્વારકા તરફ મુખ કરી દેવી મા મોગલનું આહવાન કર્યું. બીજા જ દિવસે ભગવતીએ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું—એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈ તેઓ કડીના સુબાના મહેલે પહોંચી ગયા. ભયભીત થયેલો સુબો પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને તળાજા પાસે આહીરોના નેસડા (ગામ)માં આવીને આશરો માંગ્યો.

આહીરોએ પોતાના આશરાધર્મને નિભાવવા સુબાને ઘરમાં છુપાવી બહારથી તાળું મારી દીધું. જ્યારે મા મોગલ ત્યાં આવ્યા અને આહીરોએ શરણાગતને સોંપવાની ના પાડી, ત્યારે માતાજીની દ્રષ્ટિ પડતાં જ ઘરના બધા તાળા આપોઆપ તૂટી ગયા. સુબો માના ચરણોમાં પડી ગયો અને માએ તેને માફ કર્યો.

naidunia_image

ગામનું નામ 'ભગુડા' કેમ પડ્યું

ભાગેડુ મુસ્લિમ સુબો ભાગતો-ભાગતો અહીં આવ્યો હોવાથી માતાજીએ આ ગામનું નામ 'ભગુડા' રાખવા કહ્યું. આહીરોએ તાળા મારીને જે પાપ કર્યું હતું. તેના પ્રાયશ્ચિત રૂપે માતાજીએ આજ્ઞા કરી કે, "આજ પછી આ ગામમાં કોઈ ક્યારેય તાળા નહિ લગાવે, હું પોતે અહી બેસણું કરીને ગામની રક્ષા કરીશ." ત્યારથી મા અહીં ભગુડાવાળી મોગલ તરીકે પૂજાય છે.

500 વર્ષ જૂની 'ફળા' સ્થાપનાની કથા

એક અન્ય માન્યતા પ્રમાણે, આશરે 500 વર્ષ પહેલા ભગુડામાં ભયંકર દુષ્કાળ પડતાં આહી લોકો માલધારીઓ સાથે જૂનાગઢ સ્થળાંતર કરી ગયા.જ્યારે દુષ્કાળ પૂરો થયો ત્યારે તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે ત્યાંના એક ચારણ આઈએ આહીર પરિવારના એક વૃદ્ધ માતાને મા મોગલનું એક ફળું ભેટ આપ્યું. આહીરોએ ભગુડા આવીને આ ફળાની સ્થાપના એક નાના ઓરડામાં કરી. જે આજે એક ભવ્ય મંદિર બની ગયું છે.

naidunia_image

મંદિર પરિસરમાં ભક્તો માટે સુવિધા

ભગુડા મોગલધામમાં ભક્તો માટે નીચે મુજબની મુખ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે:

  • દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે મંદિરમાં રોકાવા માટે ધર્મશાળાની ઉત્તમ વ્યવસ્થા છે.
  • અહીં એસી (AC) અને નોન-એસી રૂમો તેમજ મોટા હોલની સગવડ છે, જ્યાં ભક્તો આરામ કરી શકે છે.
  • મંદિરમાં આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ (લાપસી અને ગાંઠિયા/શાક-પૂરી) ની વ્યવસ્થા દરરોજ વિનામૂલ્યે કરવામાં આવે છે.
  • ખૂબ જ સ્વચ્છ રસોડામાં શુદ્ધ અને સાત્વિક ખોરાક તૈયાર કરવામાં આવે છે. અહીં હજારો લોકો એકસાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવો મોટો ભોજન હોલ છે.
  • ભગુડામાં ખાસ કરીને મંગળવાર, રવિવાર અને પૂનમના દિવસે ભારે ભીડ થાય છે. આથી વાહનોના યોગ્ય સંચાલન માટે મંદિરની બહાર વિશાળ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો છે, જે તદ્દન મફત છે.
    ભક્તો શાંતિપૂર્વક અને ઝડપથી દર્શન કરી શકે તે માટે સ્ટીલની મજબૂત રેલિંગવાળી લાઈનો બનાવવામાં આવી છે.
  • ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી (CCTV) કેમેરાની ચુસ્ત વ્યવસ્થા છે.
  • સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે દર્શનની ખાસ અનુકૂળતા કરી આપવામાં આવે છે.
  • સમગ્ર મંદિર પરિસરમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીના વોટર કૂલર મૂકવામાં આવ્યા છે.
  • ભક્તોની સુવિધા માટે સ્વચ્છ શૌચાલય અને સ્નાનગૃહની પૂરતી વ્યવસ્થા છે.
  • કોઈ ભક્તની તબિયત બગડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મંદિર પ્રશાસન દ્વારા ફર્સ્ટ-એડ અને મેડિકલ હેલ્પની સુવિધા પણ રાખવામાં આવે છે.
naidunia_image

મોગલ ધામ કેવી રીતે પહોંચવું ?

રોડ માર્ગ

શ્રી ભગુડા મોગલધામ મહુવા-ભાવનગર હાઈવેની પાસેથી આવેલું હોવાથી રોડ માર્ગથી સરળતાથી પહોંચી શકાય છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરથી મહુવા અથવા તળાજા તરફથી એસટી કે પ્રાઈવેટ વાહન મળી રહે છે. ભાવનગરથી ભગુડાનું અંતર 75 કીમી, અમદાવાદથી ભગુડા ધામનું અંતર આશરે 245 કિમી જ્યારે રાજકોટથી ભગુડાનું અંતર 210 કિમી છે.

રેલ્વે માર્ગ

જો તમે ટ્રેન દ્વારા આવવા માંગતા હોવ, તો ભગુડાની સૌથી નજીક બે રેલ્વે સ્ટેશન આવેલા છે: મહુવા રેલ્વે સ્ટેશન જે ભગુડાથી આશરે 28 કિમી દૂર છે. જ્યારે ભાવનગર રેલ્વે સ્ટેશન
જે ભગુડાથી આશરે 75 કિમી દૂર છે. આ બંને સ્ટેશને ઉતરીને તમે એસ.ટી. બસ, પ્રાઈવેટ ટેક્સી કે લક્ઝરી બસ દ્વારા ભગુડા પહોંચી શકો છો.

હવાઈ માર્ગ

ભગુડા મોગલધામ માતાના દર્શન કરવા ભગુડાનું સૌથી નજીકનું એરપોર્ટ ભાવનગર એરપોર્ટ છે. જે ભગુડાથી આશરે 75 કિમી દૂર છે. ભક્તો અન્ય વિકલ્પ રુપે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ આવી શકે છે.

naidunia_image

શ્રી મોગલધામ ભગુડાનો સમય નોંધી લો:

પ્રક્રિયા / સુવિધા સમય વિગત
મંદિર ખૂલવાનો સમય સવારે 06:00 વાગ્યે મંદિર ભક્તો માટે ખુલે છે
મંગળા આરતી (સવારે) સવારે 06:00 થી 06:30 વહેલી સવારની આરતી
દર્શનનો સમય સવારે 06:00 થી રાત્રે 09:00 સુધી દિવસ દરમિયાન મંદિર સતત ખુલ્લું રહે છે (બપોરે બંધ થતું નથી)
બપોરનો પ્રસાદ સવારે 11:30 થી બપોરે 02:30 અન્નક્ષેત્રમાં વિનામૂલ્યે ભોજન
સંધ્યા આરતી (સાંજે) સાંજે 07:00 થી 07:30 સૂર્યાસ્તના સમયે થતી આરતી
સાંજનો પ્રસાદ સાંજે 07:30 થી રાત્રે 09:30 અન્નક્ષેત્રમાં સાંજનું ભોજન
મંદિર બંધ થવાનો સમય રાત્રે 09:00 વાગ્યે ભીડના દિવસોમાં સમય લંબાઈ શકે છે

શ્રી મોગલધામ ભગુડાની આસપાસના દર્શનીય અને ફરવાલાયક સ્થળો

  • બગદાણા (બજરંગદાસ બાપાનું આશ્રમ)
  • ઊંચા કોટડા (ચામુંડા માતાજી મંદિર)
  • તળાજા (બૌદ્ધ ગુફાઓ અને ખોડીયાર મંદિર)
  • મહુવા (ભવાની માતા મંદિર અને બીચ)
  • પાલિતાણા
  • ગોપનાથ બીચ