Bhai Beej 2026: દિવાળીના તહેવાર પછી આવતો ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈને ઘરે બોલાવી તેનું કંકુ-ચોખાથી તિલક કરે છે અને તેના સુખી જીવન તથા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને ભેટ આપીને હંમેશાં તેની સાથે રહેવાનું વચન આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભાઈબીજના દિવસે બહેન જ ભાઈને તિલક કેમ કરે છે? આ પરંપરા પાછળ યમરાજ અને તેમની બહેન યમુનાની એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે, જે આ તહેવારનું ધાર્મિક મહત્વ સમજાવે છે.
ભાઈબીજ પર બહેન ભાઈને તિલક કેમ કરે છે?
આ પણ વાંચો
ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરીને તેની સુખાકારી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ તિલક ભાઈને યમરાજના ભયથી રક્ષણ મળે અને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે ભાવનાનું પ્રતીક છે. આ વર્ષે ભાઈબીજના દિવસે એટલે કે 11 નવેમ્બર 2026ના રોજ બપોરે 1:30થી 3:43 વાગ્યા સુધી તિલક કરવાનું શુભ મુહૂર્ત છે. આ સમય દરમિયાન બહેનો ભાઈને તિલક કરીને આરતી ઉતારી શકે છે
ભાઈબીજ પર તિલક કરવાની પરંપરા પાછળની ધાર્મિક કથા
પૌરાણિક માન્યતા અનુસાર, યમરાજ અને યમુના સૂર્યદેવનાં સંતાનો હતાં. બંને ભાઈ-બહેન એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, પરંતુ યમરાજ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા હોવાથી બહેન યમુનાને મળવા જઈ શકતા નહોતા.
યમુના વારંવાર પોતાના ભાઈને ઘરે આવવાનું આમંત્રણ આપતી હતી. એક દિવસ કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે યમરાજ પોતાની બહેનને મળવા તેના ઘરે પહોંચ્યા. ભાઈને ઘરે આવેલા જોઈને યમુના ખૂબ ખુશ થઈ ગઈ. તેણે યમરાજનું સ્વાગત કર્યું, તેમના કપાળ પર તિલક લગાવ્યું, આરતી ઉતારી અને પ્રેમથી ભોજન કરાવ્યું.
બહેનના આ પ્રેમ અને આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ કહ્યું કે, આ દિવસે જે પણ ભાઈ પોતાની બહેનના ઘરે જઈને તેના હાથથી તિલક કરાવશે, તેને લાંબું આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય. યમરાજે બહેનની આ વિનંતી સ્વીકારી અને તેને આશીર્વાદ આપ્યા. ત્યારથી ભાઈબીજના દિવસે બહેન દ્વારા ભાઈને તિલક કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
ભાઈબીજ પર તિલક કરવાનું શું છે ધાર્મિક મહત્વ?
ભાઈબીજ પર બહેન દ્વારા ભાઈને કરવામાં આવતું તિલક માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરીને તેના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે બહેનના હાથે તિલક કરાવવું શુભ માનવામાં આવે છે. ભાઈ પણ બહેનને ભેટ આપીને હંમેશાં તેની સાથે ઊભા રહેવાનું વચન આપે છે. આ રીતે ભાઈબીજનો તહેવાર બંને વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવે છે.
ભાઈબીજ પર ભાઈને તિલક કરવાની વિધિ
ભાઈબીજના દિવસે બહેનોએ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં જોઈએ. ત્યારબાદ પૂજાસ્થળે ભગવાનનું સ્મરણ કરીને પૂજાની થાળી તૈયાર કરવી. શુભ મુહૂર્તમાં ભાઈને સ્વચ્છ આસન પર બેસાડીને તેના કપાળ પર કંકુ અને ચોખાથી તિલક કરવું. ત્યારબાદ ભાઈના હાથમાં નાડાછડી બાંધી તેની આરતી ઉતારવી અને મીઠાઈ ખવડાવવી. આ સાથે બહેને ભાઈના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરવી. અંતમાં ભાઈ પોતાની બહેનને ભેટ આપીને તેના સુખી જીવનની કામના કરે છે.
ભાઈબીજને યમ દ્વિતીયા કેમ કહેવામાં આવે છે?
ભાઈબીજને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળનું કારણ યમરાજ અને તેમની બહેન યમુનાની ધાર્મિક કથા છે. કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે યમરાજ પોતાની બહેનને મળવા આવ્યા હતા, તેથી આ દિવસ યમ દ્વિતીયા તરીકે ઓળખાયો.
ભારતના અલગ-અલગ રાજ્યોમાં આ તહેવાર ભાઈબીજ, ભાઈ દૂજ, ભાઉબીજ અને ભાઈ ફોંટા જેવા નામોથી ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ ઉજવણીની રીત અલગ હોઈ શકે છે, પરંતુ ભાઈ-બહેનના પ્રેમની લાગણી એકસરખી રહે છે.
