VIDEO: વન્ય જીવોના સંરક્ષણ માટે NHAIની નવતર પહેલ, દેશમાં પહેલીવાર નેશનલ હાઈવે પર 2 કિલોમીટર લાંબો રેડ ટેબલ ટોપ તૈયાર

2 કિલોમીટરના ભાગને રેડ ટેબલ ટોપ અર્થાત તેટલા ભાગમાં લાલ રંગના ઉપસેલા પટ્ટા બનાવાયા છે. જેથી પાંચ એમ.એમ ઊંચા પેચ પર વાહન પસાર થતાં જ હળવો આંચકો લાગશે અને ડ્રાઈવર ગતિ ધીમી કરશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 09:43 PM (IST)Updated: Sun, 14 Dec 2025 09:43 PM (IST)
nhai-wildlife-safety-red-table-top-marking-bhopal-jabalpur-highway-video-viral
HIGHLIGHTS
  • મધ્ય પ્રદેશના ભોપાલ-જબલપુર હાઈવેને લાલ રંગના ટેબલ ટોપ માર્કિંગ કરાયું
  • બાળ ચિત્તાનું માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

VIRAL VIDEO: ભારતમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પહેલીવાર હાઈવે પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી વાહનોની ગતિ આપોઆપ ઓછી રહેશે. જેનાથી વન્ય પ્રાણીઓના જીવ બચાવી શકાશે. આ નવી વ્યવસ્થા મધ્ય પ્રદેશના ભોપાલ-જબલપુર હાઈવે પર લાગુ કરવામાં આવી છે.

હકીકતમાં NHAI દ્વારા ભોપાલ-જબલપુર નેશનલ હાઈવે પરના એક સેન્સેટિવ ભાગ પર લાલ રંગની ટેબલ ટૉપ માર્કિગ શરૂ કર્યું છે. આ માર્કિગ લગભગ 5 એમ.એમ. પહોળી છે અને રોડની સપાટીથી થોડી ઊંચી રાખવામાં આવી છે. જેનો હેતુ વાહન ચાલક ખતરા વાળા વિસ્તારમાં પહોંચતા જ પોતાના વાહનની ગતિ ધીમી કરે.

જણાવી દઈએ કે, ભોપાલ-જબલપુર હાઈવે પર વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ આવેલો છે. આથી અહીં માર્ગ અકસ્માતમાં વન્ય પ્રાણીઓના થતાં મોતને અટકાવવા માટે 12 કિલોમીટર વિસ્તારમાંથી 2 કિલોમીટરના ભાગને રેડ ટેબલ ટોપ અર્થાત તેટલા ભાગમાં લાલ રંગના ઉપસેલા પટ્ટા બનાવાયા છે. જેથી પાંચ એમ.એમ ઊંચા પેચ પર વાહન પસાર થતાં જ હળવો આંચકો લાગશે અને ડ્રાઈવર ગતિ ધીમી કરશે.

તાજેતરમાં જ એક બાળ ચિત્તાનું માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા 2 વર્ષમાં સેંકડો વન્ય જીવો માર્ગ અકસ્માતમાં મોતને ભેટી ચૂક્યા છે.

આ પહેલ 122 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો જ એક ભાગ છે, જે અંતર્ગત રોડને પહોળા કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ વન્ય જીવો માટે અંડર પાસ પણ બનાવવામાં આવી રહ્યા છે. રોડના કિનારે ફેન્સિંગ પણ લગાવવામાં આવી રહી છે. આ સાથે જ વાહનોની ગતિ માપવા માટેના ડિવાઈઝ પણ લગાવવામાં આવી રહ્યા છે.

ભોપાલ-જબલપુર હાઈવે પર શરૂ થયેલ આ લાલ ટેબલ ટોપ માર્કિંગ ભારતમાં માર્ગ સુરક્ષા અને વન્ય જીવ સંરક્ષણ માટે નવું ઉદાહરણ બની શકે છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો દેશના અન્ય રાજ્યોના સંવેદનશીલ હાઈવેમાં પણ તેને લાગુ કરવામાં આવી શકે છે.