VIDEO VIRAL: જોધપુરની સ્કૂલમાં સર્જાયા 'તારક મહેતા' જેવા દ્રશ્યો, કેન્સર પીડિત બાળકીની હિંમત વધારવા આખી સ્કૂલે મુંડન કરાવ્યું

કિમોથેરાપીના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના માથેથી તમામ વાળ ખરી ગયા હતા. જેના કારણે તે ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Jan 2026 05:50 PM (IST)Updated: Thu, 22 Jan 2026 05:50 PM (IST)
jodhpur-school-got-shaved-to-boost-the-courage-of-the-girl-suffering-from-cancer-video-viral
HIGHLIGHTS
  • વિદ્યાર્થિનું મનોબળ મજબૂત બનાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામુહિક મુંડનનો નિર્ણય લીધો

VIRAL VIDEO: સોની સબ ટીવી પર આવતી લોકપ્રિય કૉમેડી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)નો એક એપિસોડ તો તમે જોયો જ હશે, જેમાં ટપ્પુ માથું મુંડાવાની જિદ પકડે છે, જેના કારણે ગોકુલધામ સોસાયટીમાં ભારે ધમાચકડી મચી જાય છે. જ્યારે લોકોને ખબર પડે છે કે, ટપ્પુએ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતાં કેન્સરથી પીડિત વિદ્યાર્થીની હિંમત વધારવા માટે માથે મુંડન કરાવ્યું છે, ત્યારે સૌ કોઈ ગર્વથી ગદગદિત થઈ જાય છે.

આવો જ એક હ્રદયસ્પર્શી વીડિયો રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં કેન્સરથી પીડિત વિદ્યાર્થિનીના સમર્થનમાં એક સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત સૌ કોઈએ માથે મુંડન કરાવી નાંખ્યું છે. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં કેન્સરનો સામનો કરી રહેલી સ્કૂલની એક વિદ્યાર્થિનીના કિમોથેરાપીના કારણે વાળ ખરી ગયા હતા. આથી વિદ્યાર્થિનીને હિંમત આપવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના શિક્ષકોએ પણ પોતાના માથે મુંડન કરાવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો જોધપુરની એક સ્કૂલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જો કે વીડિયો વાયરલ થયા બાદ દેશભરના લોકો સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કરૂણા અને એકજૂટતાની પ્રશંસા કરી રહ્યા છે.

આ વીડિયોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુંડાવેલા માથા સાથે જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિમોથેરાપીના કારણે કેન્સરગ્રસ્ત વિદ્યાર્થિના વાળ ખરી જતાં તે ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી. આથી સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેનું મનોબળ વધારવા માટે સામુહિક નિર્ણય કરીને પોતાનું માથું પણ મુંડાવી દીધુ છે. વાયરલ વીડિયોમાં માથા પર મુંડન સાથે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્કૂલની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.