OMG News. બલ્ગેરિયાનો 'પોમાક' સમાજ પોતાના અનોખા અને જીવંત સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મુખ્યત્વે બલ્ગેરિયા, ગ્રીસ અને તુર્કીમાં સ્થાયી થયેલા આ મુસ્લિમ સમુદાયના લગ્નોમાં પ્રાચીન ખ્રિસ્તી રિવાજો અને ઇસ્લામિક પરંપરાઓનું અનોખું સંગમ જોવા મળે છે.
પોમાક લગ્નોનું સૌથી મોટું આકર્ષણ દુલ્હનનો અનોખો મેકઅપ છે. લગ્નના દિવસે જ દુલ્હનના આખા ચહેરા પર સફેદ પેસ્ટનો જાડો થર લગાવવામાં આવે છે. જે બાદ તેના પર ચમકતા રંગો, તારા અને ફૂલોની પેટર્નથી બારિક ડિઝાઈન કરવામાં આવે છે. જેના કારણે દુલ્હનનો ચહેરો જીવંત પેઈન્ટિંગ જેવો લાગે છે.
બંધ આંખોનું રહસ્ય
આ પરંપરામાં ખૂબ જ કડક નિયમ છે, જેમાં દુલ્હને લગ્ન દરમિયાન પોતાની આંખો બંધ રાખવી ફરજિયાત છે. ઇમામ (ધાર્મિક નેતા) દ્વારા લગ્નને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવે, તે પછી જ દુલ્હન પોતાની આંખો ખોલી શકે છે. દુલ્હનના માથા પર ફૂલનો મુઘટ અને બંધ આંખો તેની નમ્રતા, શુદ્ધતા અને આધ્યાત્મિક ઊંડાણનું પ્રતિક માનવામાં આવે છે.
સાંસ્કૃતિક મિશ્રણની એક ઝલક
પોમાક સમાજના લગ્નોમા વિવિધ રંગ જોવા મળે છે. લગ્નની ઉજવણી દરમિયાન પરંપરાગત સંગીત અને ઢોલના તાલ પર આખો સમાજ ગરબાની માફક ગોળાકારમાં નૃત્ય કરે છે.
ખાસ વાત એ છે કે, મુસ્લિમ હોવા છતાં તેઓ પોતાના પ્રાચીન ખ્રિસ્તી મૂળને ભૂલી શક્યા નથી. આજે પણ લગ્ન પહેલાં કન્યા અને વરરાજાના ઘરે ક્રોસની આકૃતિ બનાવવાની વિધિ કરવામાં આવે છે. જે તેમના મિશ્ર વારસાને પ્રતિબિંબિત કરે છે .
પોમાક સમાજની વિશ્વમાં આગવી ઓળખ
હાલમાં બલ્ગેરિયામાં આશરે 220,000 પોમાક રહે છે. તેમને બલ્ગેરિયન મુસ્લિમ તરીકે ઓળખવામાં આવે છે . આધુનિકતાના યુગમાં પણ આ સમાજ પોતાની સદીઓ જૂની લોક માન્યતાઓ અને કલાત્મક વિધિઓને જાળવી રાખી છે, જે તેમને વૈશ્વિક મંચ પર એક અનોખી ઓળખ આપે છે.

