Tarique Rahman Swearing-In Ceremony: બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ હવે નવી સરકારની રચનાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી 17 ફેબ્રુઆરીએ તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. આ ઐતિહાસિક ક્ષણ માટે બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. જોકે, વ્યસ્ત રાજદ્વારી કાર્યક્રમોને કારણે પીએમ મોદી આ સમારોહમાં હાજરી આપી શકે તેમ નથી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત મુખ્ય અડચણ
આ પણ વાંચો
વડાપ્રધાન મોદીની ઢાકા મુલાકાત અશક્ય હોવા પાછળનું મુખ્ય કારણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું ભારત આગમન છે. 17 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા અને વ્યૂહાત્મક બેઠકો નિર્ધારિત છે. મેક્રોન ભારતમાં આયોજિત 'AI ઇમ્પેક્ટ સમિટ'માં ભાગ લેવા આવી રહ્યા છે. આ સમિટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ માનવામાં આવી રહી છે, જેનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે. પૂર્વ-નિર્ધારિત આ મહત્વપૂર્ણ મુલાકાતને કારણે પીએમ મોદી માટે ઢાકા જવું શક્ય નથી.
ભારત કોને મોકલશે બાંગ્લાદેશ?
ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની ગેરહાજરીમાં ભારત એક વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ ઢાકા મોકલશે. એવી પ્રબળ શક્યતા છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ અથવા વિદેશ મંત્રી એસ. જયશંકર આ શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ નિર્ણય દ્વારા ભારત એવો સંદેશ આપવા માંગે છે કે તે પડોશી દેશ સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે, પરંતુ સાથે જ તે નવી સરકાર સાથેના સંબંધોમાં ખૂબ ઉતાવળ કરવા માંગતું નથી. ભારત અત્યારે 'થોભો અને રાહ જુઓ' (Wait and Watch)ની નીતિ અપનાવી રહ્યું હોય તેમ જણાય છે.
સાર્ક દેશો અને મિત્ર રાષ્ટ્રોને આમંત્રણ
તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની નવી બાંગ્લાદેશી સરકાર પોતાની વૈશ્વિક સ્વીકૃતિ વધારવા માટે મોટા પાયે આયોજન કરી રહી છે. ભારતના પીએમ મોદી ઉપરાંત, દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC) ના તમામ સભ્ય દેશોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીન, મલેશિયા, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા મિત્ર દેશોના નેતાઓને પણ શનિવારે મોડી રાત્રે સંદેશા મોકલવામાં આવ્યા હતા.
તારિક રહેમાનની યોજના સાર્કને ફરીથી સક્રિય કરવાની છે, જે તેમના વિદેશ નીતિના રોડમેપનો એક ભાગ છે. જોકે, ભારત અત્યારે બાંગ્લાદેશમાં લોકશાહીની પુનઃસ્થાપના અને ત્યાંના લઘુમતીઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. ૧૭ ફેબ્રુઆરીનો આ કાર્યક્રમ દક્ષિણ એશિયાના નવા રાજકીય સમીકરણો નક્કી કરવામાં મહત્વનો સાબિત થશે.
