Kulgam Encounter:લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી લતીફ અહેમદ ભટ સામે કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન સફળ રહ્યું છે. CRPF ટીમ પર હુમલો કરનાર અને ષડયંત્રનો માસ્ટર માઈન્ડ લતીફ મસ્જિદમાં છૂપાયો હોવાની માહિતી મળતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમિત શાહ તરફથી મહત્વની પ્રક્રિયા આવી
સુરક્ષા દળોએ જ્યારે તેને આત્મ સમર્પણ કરવા માટે કહ્યું તો તેણે સ્પષ્ટ ઈન્કાર કર્યો અને સુરક્ષા દળો પર ફાયરિંગ કરવાનું જાળવી રાખ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી મહત્વની પ્રક્રિયા આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ(JKP), ભારતીય સેના, CRPF અને ગુપ્તચર એજન્સીના શાનદાર સંકલનથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટની ખાસ ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યો છે.
લતીફે જવાબ આપ્યો
આ અગાઉ સુરક્ષા દળોએ એક વીડયો કોલ મારફતે ભટનો સંપર્ક કર્યો હતો અને હથિયાર હેઠા મુકવા કહ્યું હતું. એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભટને કહેવામાં આવ્યું હતું કે અમે તમારી સાથે છીએ, તુ આત્મ સમર્પણ કરી દે. પણ તેણે જવાબમાં કહ્યું કે મુજે અલ્લાહ સે મિલના હૈ. મૈં બહુત ખુશ હું.
રૂપિયા 15 લાખ ઈનામ જાહેર કરાયેલ
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં આતંકવાદી બનેલ લતીફ અહેમદ ભટ પર રૂપિયા 15 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-12 પાસ આ લતીફે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ તે કેટલાક સમય સુધી પ્લમ્બર તરીકે કામ કરતો હતો. તેણે આ વર્ષે જુલાઈ મહિનામાં અનંતનાગના લાલચોક પર એક પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. આ ઉપરાંત તેણે છત્તીસગઢના બે શ્રમિકોની પણ હત્યા કરી હતી.
