West Bengal Government: સુવેન્દુ કેબિનેટના ઐતિહાસિક નિર્ણયો; મહિલાઓને દર મહિને ₹3000 અને મફત બસ પ્રવાસ, મદરેસાઓની સરકારી સહાય પર રોક

પશ્ચિમ બંગાળમાં, સીએમ સુવેન્દુના મંત્રીમંડળે અન્નપૂર્ણા ભંડાર યોજના અને મહિલાઓ માટે મફત બસ સેવાઓને મંજૂરી આપી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 18 May 2026 04:59 PM (IST)Updated: Mon, 18 May 2026 04:59 PM (IST)
west-bengal-cabinet-approves-rs-3000-financial-assistance-for-women-and-free-bus-travel

West Bengal Government Announcements: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળ નવી સરકારે રાજ્યના વિકાસ અને કલ્યાણ માટે આક્રમક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટની બીજી મહત્વની બેઠકમાં રાજ્ય સરકારે મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને સામાજિક નીતિઓને લઈને અનેક મોટા અને દૂરોગામી નિર્ણયો પર મહોર લગાવી દીધી છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત વિગતો રાજ્યના મંત્રી અગ્નિમિત્રા પોલે મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

મહિલાઓ માટે અન્નપૂર્ણા ભંડાર યોજના અને ફ્રી બસ સેવા

નવી સરકારે રાજ્યની મહિલા સશક્તિકરણની દિશામાં મોટું પગલું ભરતા અન્નપૂર્ણા ભંડાર યોજનાને મંજૂરી આપી દીધી છે. આગામી 1 જૂનથી આ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ થઈ જશે, જેના અંતર્ગત લાભાર્થી મહિલાઓને દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં આપવામાં આવશે.

આ ઉપરાંત, 1 જૂનથી જ રાજ્યની તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી સંપૂર્ણપણે મફત કરી દેવામાં આવી છે.

કોને મળશે આ યોજનાનો લાભ?

મંત્રી અગ્નિમિત્રા પાલે સ્પષ્ટતા કરી છે કે જે મહિલાઓ અગાઉ લક્ષ્મી ભંડાર યોજનાનો લાભ મેળવી રહી હતી, તેમને આ નવી અન્નપૂર્ણા ભંડાર યોજના માટે કોઈ નવું ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. તેમનું નામ આપોઆપ આ યાદીમાં જોડાઈ જશે. આ સિવાય જે મહિલાઓ હજુ સુધી વંચિત છે, તેમના માટે સરકાર ટૂંક સમયમાં જ એક નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે, જ્યાં તેઓ અરજી કરી શકશે.

મદરેસાઓ અને ધાર્મિક આધારે અપાતી સરકારી આર્થિક સહાય બંધ

કેબિનેટ બેઠકમાં બીજો સૌથી મોટો અને કડક નિર્ણય ધાર્મિક તુષ્ટિકરણને રોકવા માટે લેવાયો છે. સુવેન્દુ સરકારે રાજ્યમાં મદરેસાઓને મળતી તમામ પ્રકારની સરકારી નાણાકીય સહાય તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત ઇમામ અને મોઅજ્જિમોને અપાતું માસિક ભથ્થું પણ હવેથી બંધ કરવામાં આવશે. સરકારનું વલણ સ્પષ્ટ છે કે ધાર્મિક વર્ગીકરણના આધારે કોઈ પણ જૂથને સરકારી ભંડોળમાંથી આર્થિક સહાય આપવામાં આવશે નહીં.

સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ અને OBC અનામતની પુનઃ તપાસ

રાજ્યના સરકારી કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફ અને સંલગ્ન વૈધાનિક સંસ્થાઓ માટે સરકારે સાતમા રાજ્ય પગાર પંચ (7th Pay Commission)ના ગઠનને લીલી ઝંડી આપી દીધી છે. જોકે, કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી બાકી ડીએ (DA - મોંઘવારી ભથ્થું) અંગે આ બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી.

સાથે જ સામાજિક સ્તરે મોટો નિર્ણય લેતા સરકારે વર્ષ 2011થી રાજ્યમાં જાહેર થયેલી ઓબીસી (OBC) અનામત યાદીની ફરીથી સંપૂર્ણ તપાસ (Re-verification) કરાવવાની જાહેરાત કરી છે.

દર 15 દિવસે મળશે કેબિનેટ; પ્રથમ બેઠકના નિર્ણયો પણ ચર્ચામાં

સરકારની કામગીરીમાં ગતિ લાવવા માટે હવેથી દર 15 દિવસે એકવાર રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજવાનું અનિવાર્ય કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુવેન્દુ કેબિનેટે તેની પ્રથમ બેઠકમાં પણ દેશહિતના અનેક નિર્ણયો લીધા હતા, જેમાં, રાજ્યમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવી. કેન્દ્રીય તાલીમમાં ભાગ લેવા માટે IAS અને IPS અધિકારીઓને મંજૂરી આપવી. રાજ્યમાં નવી ભારતીય ન્યાય સંહિતા અમલી બનાવવી. સરહદ સુરક્ષા માટે 45 દિવસની અંદર બીએસએફ (BSF)ને જમીન ટ્રાન્સફર કરવી. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા દરમિયાન જીવ ગુમાવનારા ભાજપના 321 કાર્યકર્તાઓના પરિવારોની સંપૂર્ણ જવાબદારી સરકારે પોતાના માથે લેવાની જાહેરાત કરી હતી.

સુવેન્દુ સરકારના આ નિર્ણયો આગામી સમયમાં બંગાળના રાજકારણ અને સામાજિક માળખામાં મોટા પરિવર્તનો લાવશે તે નક્કી છે.