Weather Today (September 17, 2026) | આજનું હવામાન: દેશમાં ચોમાસાની વિદાય પહેલા મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે 17 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં તોફાની વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં કરા પડવાની પણ આશંકા છે.
ભારે પવનને કારણે મોટા વૃક્ષો ધરાશાયી થવાની તેમજ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો
ગંગા નદીના કિનારે આવેલા પશ્ચિમ બંગાળ અને તેની નજીક ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેની અસરથી આગામી 3 દિવસ સુધી પૂર્વ ભારતમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત, મધ્ય આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય હોવાથી ત્યાં પણ હવામાનમાં પલટો જોવા મળશે.
દેશના કયા 13 રાજ્યોમાં છે વરસાદનું એલર્ટ?
આગામી કેટલાક કલાકોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં આજે હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી/કલાક રહી શકે છે.
- ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુર.
- દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી.
- સૌરાષ્ટ્ર અને કચ્છ: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ.
દિલ્હીમાં આજે હવામાન કેવું રહેશે?
દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. પવનની ઝડપ 50 થી 60 કિમી/કલાક સુધી રહી શકે છે. દિવસનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
રાજસ્થાનમાં આજે હવામાન કેવું રહેશે?
રાજસ્થાનના ટોંક, કોટા, ચિત્તોડગઢ, જયપુર, ભીલવાડા, પ્રતાપગઢ, ઉદયપુર, અજમેર અને સીકરમાં ભારે વરસાદની આગાહી છે. અહીં 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જયપુરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
મધ્ય પ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?
બાલાઘાટ, ડિંડોરી, મંડલા, વિદિશા, ખંડવા, ઈન્દોર, કટની, હોશંગાબાદ, છતરપુર અને ખરગોનમાં તોફાની વરસાદનું એલર્ટ છે. પવનની ગતિ 50 થી 55 કિમી/કલાક રહેવાની આશંકા છે. ભોપાલનું તાપમાન 30 ડિગ્રી (મહત્તમ) અને 23 ડિગ્રી (લઘુત્તમ) સેલ્સિયસ આસપાસ રહેશે.
ઉત્તર પ્રદેશ સહિત દેશના મુખ્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?
ઉત્તર પ્રદેશ: ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, કાનપુર, પ્રયાગરાજ, અયોધ્યા, વારાણસી અને મેરઠ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે. પવનની ઝડપ સૌથી વધુ 70 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. લખનઉમાં તાપમાન 33/25 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.
બિહાર: પટના, ગયા, ભાગલપુર, પૂર્ણિયા સહિતના જિલ્લાઓમાં વરસાદનું 'યલો એલર્ટ' જારી કરાયું છે. 65 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઝારખંડ: રાંચી, ધનબાદ, જમશેદપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે. રાંચીનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ઉત્તરાખંડ: નૈનીતાલ, ચમોલી, પિથોરાગઢ અને દેહરાદૂન સહિતના વિસ્તારોમાં 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન અને તોફાની વરસાદની આગાહી છે.
હિમાચલ પ્રદેશ: શિમલા, મનાલી, કુલ્લુ અને કાંગડામાં વરસાદનું એલર્ટ છે. મનાલીમાં તાપમાન ઘટીને મહત્તમ 8 ડિગ્રી અને લઘુત્તમ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ, શ્રીનગર, પુલવામા અને કુપવાડામાં 50 થી 55 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
પશ્ચિમ બંગાળ: કોલકાતા, હાવડા અને આસપાસના જિલ્લાઓમાં 60 કિમી/કલાકથી વધુ ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ છે.
પંજાબ: અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં 45 થી 50 કિમી/કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડા અને વરસાદની આગાહી છે.
