આંધ્રપ્રદેશના વિજયવાડામાં ક્રુર હત્યા, કસાઈએ મહિલા મિત્રનું ગળું કાપી શરીરના 9 ટુકડા કરીને નહેરમાં ફેંક્યા

વિજયવાડામાં પૈસાના વિવાદને લઈને કસાઈ શફીએ મહિલા મિત્ર કલ્યાણીની હત્યા કરી શરીરના 9 ટુકડા નહેરમાં ફેંકી દીધા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 29 Sep 2026 07:32 PM (IST)Updated: Tue, 29 Sep 2026 07:32 PM (IST)
vijayawada-butcher-murders-woman-dismembers-body-into-9-pieces

Vijayawada Murder: દેશમાં માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ક્રૂર અને હચમચાવી દેતી ઘટના આંધ્રપ્રદેશના વિજયવાડામાંથી સામે આવી છે. ભવાનીપુરમ વિસ્તારમાં મટનની દુકાન ચલાવતા એક કસાઈએ પૈસાની લેણ-દેણ અને સામાન્ય વિવાદને કારણે પોતાની જ મહિલા મિત્રની અત્યંત નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપીએ માત્ર હત્યા જ નહોતી કરી, પરંતુ પુરાવા મિટાવવા માટે મહિલાના શરીરના 9 ટુકડા કરીને તેને નહેરમાં ફેંકી દીધા હતા. આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે.

શરીર પરના ટેટૂએ ખોલ્યું રહસ્ય

આ પ્રકરણનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસને ઇબ્રાહિમપતનામ વિસ્તારમાંથી એક અજાણ્યો અને ક્ષતિગ્રસ્ત શબ મળી આવ્યો હતો. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ અંગે માહિતી ફેલાયા બાદ, મૃતક મહિલાના પરિવારજનો પોલીસનો સંપર્ક કર્યો હતો. પરિવારે મૃતદેહના હાથ પર બનેલા એક વિશિષ્ટ ટેટૂના આધારે આ લાશ કલ્યાણી નામની મહિલાની હોવાની ઓળખ કરી હતી. આ ઓળખ જ પોલીસ માટે આ ગુનાના મૂળ સુધી પહોંચવાની પહેલી કડી સાબિત થઈ હતી.

પૈસાનો વિવાદ અને સંબંધોમાં કડવાશ

પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને શંકાની સૂઈ ભવાનીપુરમમાં મટનની નાની દુકાન ચલાવતા શફી નામના કસાઈ તરફ ગઈ. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે શફી અને કલ્યાણી વચ્ચે ગાઢ મિત્રતા અને સબંધો હતા. જોકે, તાજેતરમાં તેમની વચ્ચે પૈસાની લેણ-દેણને લઈને ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. આ ઉપરાંત, કલ્યાણીના પુત્ર સાથે જોડાયેલા કેટલાક જૂના ઝઘડાઓએ પણ બંનેના સંબંધોમાં ભારે ખટાસ પેદા કરી દીધી હતી. આ જ બાબતો અદાવતમાં ફેરવાઈ ગઈ અને ખૂની ખેલ રમાયો.

આ રીતે અંજામ આપ્યો ખૌફનાક અપરાધને

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ અનુસાર, ગત 17 સપ્ટેમ્બરે આરોપી શફી કલ્યાણીને પોતાના ઘરે ભવાનીપુરમ લઈ ગયો હતો. ત્યાં બંને વચ્ચે પૈસાની બાબતને લઈને ફરી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને શફીએ ધારદાર ચાકુથી કલ્યાણી પર જીવલેણ હુમલો કરી દીધો અને તેનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

હત્યા કર્યા બાદ આરોપી શફીએ જે ક્રૂરતા દેખાડી તે કલ્પના બહારની હતી. તેણે મટન કાપવાના પોતાના સાધનોનો ઉપયોગ કરીને મૃતક કલ્યાણીના શરીરના કુલ 9 ટુકડા કરી નાખ્યા હતા. આ પાપમાં તેને સાથ આપ્યો તેની જ દુકાનમાં કામ કરતા ગુરુવુલુ નામના શખ્સે. બંનેએ મળીને લાશના આ ટુકડાઓને ઠેકાણે લગાવવાનું નક્કી કર્યું અને ગોલાપુડી વિસ્તારમાંથી પસાર થતી કૂલિંગ નહેરમાં આ ટુકડાઓ ફેંકી દીધા, જેથી કોઈને ક્યારેય કોઈ પુરાવા ન મળે.

પોલીસ સકંજામાં આરોપીઓ

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને કડીઓ જોડતા આ કેસનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે મુખ્ય આરોપી કસાઈ શફી અને તેના સહયોગી ગુરુવુલુ બંનેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ બંને આરોપીઓની કસ્ટડીમાં સઘન પૂછપરછ કરી રહી છે કે આ જધન્ય હત્યા પાછળ અન્ય કોઈ કારણ કે અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે નહીં. તેમજ મૃતદેહના ટુકડાઓને નહેર સુધી કેવી રીતે લઈ જવામાં આવ્યા અને કયા સાધનો વપરાયા તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે માનસિક વિકૃતિ અને બદલો લેવાની ભાવના માનવીને કયા સ્તર સુધી ક્રૂર બનાવી શકે છે.