Vande Bharat Sleeper Train: વંદે ભારત ટ્રેન કે જે તેની ઝડપ અને આરામદાયક સુવિધાઓ માટે જાણીતી છે, તે હવે સ્લીપર સુવિધા સાથે પાટા પર દોડવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દિલ્હીથી કોલકાતા વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં પોતાની સફર શરૂ કરી શકે છે, જેનાથી લાંબા અંતરના મુસાફરોનો અનુભવ વધુ સારો બનશે.
4 રાજ્યોના મુસાફરોને સીધો ફાયદો
આ નવી ટ્રેન શરૂ થવાથી દિલ્હી અને પશ્ચિમ બંગાળ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર એમ કુલ ચાર રાજ્યોના મુસાફરોને મોટી રાહત મળશે. જોકે તેના ચોક્કસ સ્ટોપેજ હજુ સ્પષ્ટ નથી, પરંતુ માનવામાં આવે છે કે કાનપુર, અલ્હાબાદ (પ્રયાગરાજ), દીન દયાલ ઉપાધ્યાય જંકશન અને પટના જેવા મુખ્ય સ્ટેશનો પર આ ટ્રેન ઉભી રહી શકે છે. આ રૂટ પર મુસાફરોની સંખ્યા ઘણી વધારે હોય છે અને વેઇટિંગ લિસ્ટ પણ લાંબું હોય છે, તેથી આ નવી સ્લીપર ટ્રેનને મોટી સંખ્યામાં મુસાફરો મળી રહેશે.
180 કિમીની ઝડપે સફળ ટ્રાયલ
તાજેતરમાં કોટા-નાગદા રૂટ પર આ સ્વદેશી ડિઝાઇનવાળી ટ્રેનનું હાઈ-સ્પીડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેણે 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે 180ની સ્પીડ હોવા છતાં ટ્રેનમાં રાખેલા પાણીના ગ્લાસ સ્થિર રહ્યા હતા અને પાણી છલકાયું નહોતું. આ ટ્રેન ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.
ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળને મળી શકે છે ભેટ
પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેવા સમયે કેન્દ્ર સરકાર રાજ્યની જનતાને આ મોટી ભેટ આપી શકે છે. અગાઉ આ ટ્રેન ડિસેમ્બર 2025માં શરૂ થવાની વાત હતી, પરંતુ હવે સ્ત્રોતોના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં આ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી શકે છે.
