ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટ, 'તહરીક-ઉલ-મુજાહિદીન હિંદુસ્તાન' સંગઠને લીધી જવાબદારી

જે X એકાઉન્ટ પરથી હુમલાની જવાબદારી લેતી પોસ્ટ કરવામાં આવી છે, તેના માત્ર 2 ફોલોઅર્સ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 03:56 PM (IST)Updated: Sat, 07 Nov 2026 04:00 PM (IST)
uttar-pradesh-news-ghaziabad-vasundhara-police-post-blast-tehreek-ul-mujahideen-hindustan

Ghaziabad Police Post Blast: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી વસુંધરા પોલીસ ચોકીમાં શુક્રવારે રાત્રે અચાનક ભીષણ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. રાત્રે આશરે 10:00 વાગ્યે થયેલા વિસ્ફોટના કારણે પોલીસ ચોકીના 2 રૂમની બારીઓના કાચ તૂટી ગયા અને દીવાલોમાં તિરાડો પણ પડી ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, વિસ્ફોટક સામગ્રી એલિવેટેડ રોડ પરથી ફેંકવામાં આવી હતી.

આ ઘટના બાદ તપાસ એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. શનિવારે સવારે ઘટના સ્થળે ગાઝિયાબાદના પોલીસ કમિશનર જે. રવિન્દર ગૌડ પહોંચ્યા હતા. તેમના ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB) સહિતની અન્ય તપાસ એજન્સીઓની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી. પોલીસ કમિશનરે સઘન તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.

આ વિસ્ફોટની જવાબદારી 'તહરીક-ઉલ-મુજાહિદીન હિંદુસ્તાન' નામના એક અજ્ઞાત સંગઠને લીધી છે. આ સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર એક પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે તેમણે હિંદુ ફાસિસ્ટ સરકાર સામેના પોતાના ઓપરેશન અંતર્ગત ગાઝિયાબાદમાં પોલીસને નિશાન બનાવી છે. ઉલ્લેખનીય છે કે જે X એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે, તે ઓગસ્ટ 2025 માં બન્યું હતું, અને તેના માત્ર 2 ફોલોઅર્સ છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં સંગઠને આ વિસ્ફોટ અને નિર્ણય પાછળના કારણો આપતા લખ્યું કે, તેમને પણ પોતાના અસ્તિત્વ, ઘરો, પૂજાના સ્થળો, વિશ્વાસ અને સભ્યતાની રક્ષા માટે વિરોધ કરવાનો હક છે. પત્રમાં આક્ષેપ હતો કે જે સિસ્ટમ તેમની મહિલાઓ અને બાળકોને અસમના ડિટેન્શન કેમ્પમાં બંધ કરે છે, મહોલ્લાઓમાં બુલડોઝર મોકલે છે અને હત્યારાઓને વડાપ્રધાન અને મુખ્યમંત્રી બનાવે છે, તેને તે જ ભાષામાં જવાબ આપવાનો અધિકાર છે.

આ સાથે સંગઠને પોલીસ, સેના, ન્યાયતંત્ર અને નગરપાલિકા સહિતની વર્તમાન સરકારની દરેક પાંખને પોતાના વિરુદ્ધ ગણાવીને સરકારને ગેરકાયદેસર જાહેર કરી છે. સંગઠને પોસ્ટમાં હિંદુ જનતાને સંબોધીને કહ્યું કે જે નેતાઓ, અફસરો કે કોન્સ્ટેબલ મુસ્લિમો પર જુલમ કરે છે, તે તમારા જ સમાજની દેન છે અને સિસ્ટમને જીવંત રાખે છે, જેથી તમે પણ જુલમમાં બરાબરના ભાગીદાર છો.

સંગઠને પોસ્ટમાં વધુમાં લખ્યું કે, ભવિષ્યમાં જ્યારે આ આંચ તમારા ઘરો સુધી પહોંચે ત્યારે અમને દોષ આપવાને બદલે પોતાના નેતાઓને જવાબદાર ઠેરવજો. આ ઉપરાંત તેમણે મુસ્લિમ સમુદાય (ઉમ્માહ) ને સંબોધતા લખ્યું કે અમે તમારી ખાતર કફન બાંધી લીધું છે, તેથી મિલિટરી એક્શનથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે તેવો ડર ન રાખો.

પોસ્ટમાં વધુમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, દરરોજ પયગંબરનું અપમાન કરવામાં આવે, હજારો પૂજાના સ્થળ નષ્ટ કરવામાં આવે, દાઢીવાળા બુઝુર્ગોને "JSR" બોલવા મજબૂર કરવામાં આવે અને બહેનોને ભગવા પ્રેમના જાળમાં ફસાવવામાં આવે તેનાથી ખરાબ બીજું શું હોઈ શકે. જે બાગમાં ઈજ્જતની રક્ષા ન થઈ શકે તેને સળગાવી દેવો જ યોગ્ય છે અને જ્યારે ઉમ્માહ તકલીફમાં હોય ત્યારે દુશ્મન શાંતિથી રહી શકે નહીં.