UP Fazil Nagar Renamed Pavagadh: ગુજરાતનું પ્રખ્યાત ઐતિહાસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળ 'પાવાગઢ' હવે ઉત્તર પ્રદેશમાં પણ પોતાની ઓળખ બનાવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, કુશીનગર જિલ્લાના ઐતિહાસિક શહેર 'ફાઝિલ નગર'નું નામ બદલીને હવે 'પાવાગઢ' કરવામાં આવશે. જૈન તીર્થંકર ભગવાન મહાવીરના માનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી આ પ્રદેશને એક નવી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ મળશે.
બિહારના પાવાપુરીથી પ્રેરિત છે આ નિર્ણય
કુશીનગર જિલ્લા વહીવટીતંત્રે ફાઝિલ નગરનું નામ બદલવા માટે રાજ્ય સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી આપી દીધી છે. આ નવું નામ બિહારના પ્રખ્યાત જૈન તીર્થસ્થળ 'પાવાપુરી'થી પ્રેરિત છે, જે ભગવાન મહાવીરના જીવન અને નિર્વાણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ફાઝિલ નગરમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આ નામકરણથી આ વિસ્તારના આધ્યાત્મિક મહત્વને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આકર્ષાશે.
ગુજરાતના પાવાગઢનો ભવ્ય ઇતિહાસ
ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણયથી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ઐતિહાસિક શહેર પાવાગઢની ચર્ચાઓ ફરી જાગી છે. ગુજરાતનું પાવાગઢ એક પ્રાચીન જ્વાળામુખીની ટેકરી પર વસેલું છે અને તે ચાંપાનેર શહેર સાથે જોડાયેલું છે. આ સમગ્ર વિસ્તાર યુનેસ્કો (UNESCO) દ્વારા માન્યતા પ્રાપ્ત 'ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન'નો એક ભાગ છે.
પાવાગઢ ખાસ કરીને જગપ્રસિદ્ધ યાત્રાધામ 'કાલિકા માતા મંદિર' માટે જાણીતું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, અહીં દેવી સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો, જેના કારણે આ સ્થળ ભારતના પવિત્ર શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે. આ સિવાય પાવાગઢમાં સદીઓ જૂના જૈન મંદિરો પણ આવેલા છે. અહીંની ટેકરીઓ અને પુરાતત્વીય અવશેષો 8મી થી 16મી સદી સુધીના હિન્દુ અને જૈન ઇતિહાસના અનોખા મિશ્રણને સાચવીને બેઠા છે.
