UPI પેમેન્ટ્સ ગ્રાહકો માટે બિલકુલ ફ્રી રહેશે: MDR અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી મોટી સ્પષ્ટતા

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 15 સપ્ટેમ્બરના રોજ રજૂ કરેલા નવા MDR માળખા અંગે નાણામંત્રીએ વિગતો આપી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 06:30 AM (IST)Updated: Tue, 22 Sep 2026 06:30 AM (IST)
upi-payments-free-for-customers-finance-minister-nirmala-sitharaman-mdr-charges-clarification
 નિર્મલા સીતારમણ

UPI Payment Free Nirmala Sitharaman: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લેવડદેવડ પર લાગુ થતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ને લઈને ચાલી રહેલી તમામ અફવાઓ અને આશંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે UPI પેમેન્ટ્સ પર લાગુ થનારો MDR ગ્રાહકો પર ક્યારેય લાદવામાં આવશે નહીં. સામાન્ય નાગરિકો અને ગ્રાહકો કોઈપણ વધારાના શુલ્ક વિના પહેલાની જેમ જ મફતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

2000 થી વધુના વ્યવહારો પર વેપારીઓ ચૂકવશે 0.4 ટકા MDR

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 15 સપ્ટેમ્બરના રોજ રજૂ કરેલા નવા MDR માળખા અંગે નાણામંત્રીએ વિગતો આપી હતી. આ નવી નીતિ હેઠળ 2,000 થી વધુ રકમના UPI વ્યવહારો પર વેપારીઓએ (Merchants) 0.4 ટકા MDR ચૂકવવો પડશે. 2,000 થી ઓછી રકમના તમામ વ્યવહારો પર આ ફી લાગુ થશે નહીં.

નાણામંત્રીએ ઉમેર્યું હતું કે દેશના લગભગ 96 ટકા UPI વ્યવહારો 2,000 ની મર્યાદાથી નીચેના હોવાથી સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓને આ નવી વ્યવસ્થાથી કોઈ જ ફેર પડશે નહીં. MDR એ કોઈ સરકારી ટેક્સ કે સેસ (Cess) નથી અને તેની રકમ સરકારી તિજોરીમાં જતી નથી; તે માત્ર સિસ્ટમ અપગ્રેડેશન અને ટેકનોલોજી સેવાની જાળવણી માટે સેવા પ્રદાતાઓ વચ્ચેનો વ્યવસાયિક મામલો છે.

રાહુલ ગાંધીની મિમિક્રી અને આપના આરોપો પર આકરા પ્રહાર

વિરોધ પક્ષો પર જૂઠાણાં અને ગેરમાર્ગે દોરતો પ્રચાર ફેલાવવાનો આરોપ મૂકતાં નિર્મલા સીતારમણે કડક વલણ અપનાવ્યું હતું. ઈંદૌર ખાતે આયોજિત 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી મિમિક્રી અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, "આવું વર્તન વિપક્ષના નેતાને બિલકુલ શોભતું નથી અને તે બંધારણીય હોદ્દાનું અનાદર છે."

આ ઉપરાંત, પંજાબને કેન્દ્ર તરફથી ભંડોળની ફાળવણીમાં ભેદભાવ કરવામાં આવતો હોવાના આમ આદમી પાર્ટી (AAP) ના આરોપોને ફગાવતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે બંધારણીય નિયમો મુજબ દરેક રાજ્યને તેનો નિર્ધારિત હિસ્સો સમયસર અને કપાત વગર ચૂકવવામાં આવે છે.