ઉજ્જૈનમાં શાહી મસ્જિદ પર કાર્યવાહી પહેલાં હોબાળો: ટોળાનો પથ્થરમારો, પોલીસે ટીયર ગેસ છોડ્યા

મળતી વિગતો મુજબ, ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 હેઠળ રસ્તાના નિર્માણ માટે દબાણ હટાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. બુલડોઝરની મદદથી મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવાની યોજના વચ્ચે અસામાજિક તત્વો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 28 Sep 2026 12:24 PM (IST)Updated: Mon, 28 Sep 2026 12:24 PM (IST)
ujjain-shahi-masjid-road-widening-clash-stone-pelting-crime-branch-ti-injured
ઉજ્જૈન શાહી મસ્જિદ સમાચાર

Ujjain Shahi Masjid News: મધ્યપ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં રસ્તા પહોળા કરવાના માસ્ટર પ્લાન હેઠળ હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ભારે અફડાતફડી અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કાનથલ સ્ક્વેર અને ગોપાલ મંદિર વચ્ચે આવેલા રસ્તાને પહોળો કરવા માટે શાહી મસ્જિદના એક ભાગને દૂર કરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ મસ્જિદ નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વહીવટી ટીમ તથા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

પોલીસ પર પથ્થરમારો અને બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ

મળતી વિગતો મુજબ, ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 હેઠળ રસ્તાના નિર્માણ માટે દબાણ હટાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. બુલડોઝરની મદદથી મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવાની યોજના વચ્ચે અસામાજિક તત્વો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. મસ્જિદ પાસે સુરક્ષા માટે લગાવવામાં આવેલા બેરિકેડ્સને ટોળાએ હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને વહીવટી ટીમ પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

આ હુમલામાં ક્રાઈમ બ્રાન્ચના મહિલા ઈન્સ્પેક્ટર (TI) પુષ્પા પંચાલ પથ્થર વાગવાથી ઘાયલ થયા હતા. ઘાયલ અધિકારીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સ્થિતિને વધારે વણસતી અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

શું છે સમગ્ર વિવાદ અને મામલો?

ઉજ્જૈનના કાંથલ સ્ક્વેરથી ગોપાલ મંદિર વચ્ચે 15 મીટર પહોળો રસ્તો બનાવવાની દરખાસ્ત છે. આ પ્રોજેક્ટમાં શાહી મસ્જિદનો આશરે ૧૦ ફૂટ જેટલો ભાગ રસ્તાની સીમામાં આવતો હોવાથી તેને દૂર કરવાનું નક્કી કરાયું હતું.

સોમવારે સવારે સ્થાનિક વહીવટીતંત્ર અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. ત્યારબાદ સમુદાયના સભ્યો પોતે જ આ અવરોધરૂપ ભાગ દૂર કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે જ સમયે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો અને વાતાવરણ તંગ બની ગયું હતું.

આ મહત્વપૂર્ણ માર્ગ મહાકાલેશ્વર મંદિર, ગોપાલ મંદિર અને પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારાને જોડે છે. વર્ષ 2028માં યોજાનારા ભવ્ય 'સિંહસ્થ કુંભમેળા' અને અન્ય ધાર્મિક ઉત્સવો દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની અવરજવર સરળ રહે તે હેતુથી આ રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે.

હાલમાં ઉજ્જૈન પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.