UGC NET Re Exam 2026: NEET પરીક્ષાના વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર ભારે ટીકાઓનો સામનો કરી રહી છે. આ વખતે UGC-NETની પરીક્ષામાં મોટી ગડબડ સામે આવ્યા બાદ NTA દ્વારા રવિવારે મોડી સાંજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સીએ ઈંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજી (સમાજશાસ્ત્ર) જેવા ત્રણ મહત્વના વિષયોની પરીક્ષાઓ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
9 અને 10 સપ્ટેમ્બરે લેવાશે ફરી પરીક્ષા
NTA ના જણાવ્યા મુજબ, રદ કરાયેલા આ ત્રણેય વિષયોની પરીક્ષા આગામી 9 અને 10 સપ્ટેમ્બર 2026ના રોજ ફરીથી આયોજિત કરવામાં આવશે. આ માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. પરીક્ષાનું શહેર, નવું કેન્દ્ર અને એડમિટ કાર્ડ અંગેની તમામ વિગતો ટૂંક સમયમાં NTA ની અધિકૃત વેબસાઈટ પર જાહેર કરાશે.
ઈંગ્લિશ (English): 9 સપ્ટેમ્બર 2026 (શિફ્ટ-1, સવારે 9:00 થી 12:00)
કોમર્સ (Commerce): 9 સપ્ટેમ્બર 2026 (શિફ્ટ-2, બપોરે 3:00 થી સાંજના 6:00)
સોશિયોલોજી (Sociology): 10 સપ્ટેમ્બર 2026 (શિફ્ટ-1, સવારે 9:00 થી 12:00)
પ્રશ્નપત્રોમાં ટાઈપિંગ, વ્યાકરણ અને ભાષાની ગંભીર ભૂલો
પરીક્ષા રદ કરવા પાછળ NTA એ જે કારણો દર્શાવ્યા છે તેણે શિક્ષણ જગતમાં આશ્ચર્ય સર્જ્યું છે. પ્રશ્નપત્રોમાં તથ્યોની ભૂલો, વિદેશી વિદ્વાનોના નામના ખોટા સ્પેલિંગ, પુસ્તકોના ખોટા શીર્ષકો, ગ્રામર તેમજ ભાષાંતરની ગંભીર ક્ષતિઓ મળી આવી હતી. NTAનું માનવું છે કે આટલી મોટી ભૂલો માત્ર પ્રોસેસ ચેલેન્જથી સુધારી શકાય તેમ નથી. આ ઉપરાંત જૂના પ્રશ્નોનું પુનરાવર્તન પણ પેપર લીક જેવી ગંભીર આશંકાઓ તરફ ઈશારો કરે છે.
બાકીના 84 વિષયોની આન્સર કી જાહેર
આ વિવાદ વચ્ચે NTA એ UGC-NETના કુલ 87 વિષયોમાંથી બાકીના 84 વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દીધી છે. વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી પોતાની આપત્તિઓ ઓનલાઈન નોંધાવી શકશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે આ ત્રણ વિષયોની ફરી પરીક્ષા યોજાવાથી JRF સીટોના ફાળવણી, આસિસ્ટન્ટ પ્રોફેસરની યોગ્યતા કે PhD એડમિશનની પ્રક્રિયામાં કોઈ વિલંબ થશે નહીં અને નક્કી કરાયેલા ક્વોટામાં કોઈ કાપ મુકાશે નહીં.
