Devendra Uddhav Meet: ગત વર્ષે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને પછી ભાજપની સાથે સરકાર બનાવી હતી. એકનાથ શિંદે હવે રાજ્યના મુખ્યમંત્રી છે અને શિવસેના પ્રમુખ રહેલા ઉદ્ધવ ઠાકરેને સરકાર ગુમાવ્યા બાદ પાર્ટી માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ત્યારથી જ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચેના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે. પરંતુ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં અલગ જ નજારો જોવા મળ્યો. વિધાનસભામાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે સામસામે આવી ગયા છે. બંને વાતો કરતા અને હસતા જોવા મળ્યા અને મોડે સુધી કોઈ વાતે ચર્ચા કરતા પણ જોવા મળ્યા.
આ મુલાકાત બાદ રાજ્યમાં રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. એક સમયે એકબીજાના મિત્ર એવા આ બંને નેતા છેલ્લાં કેટલાંક સમયથી એકબીજાના મોટા વિરોધીઓ બની ગયા છે, પરંતુ ગુરુવારની મુલાકાતમાં એવું કંઈ જોવા ન મળ્યું કે જેનાથી લાગે કે બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. વાતચીત પછી બંને નેતા વિધાનસભા તરફ આગળ વધ્યા. એટલું નહીં ગૃહમાં ચર્ચા દરમિયાન તે સમયે નજારો બદલાઈ ગયો જ્યારે ભાજપના નેતા અને મંત્રી સુધીર મુનગંટીવારે ઉદ્ધવ ઠાકરેને ઈશારાથી સાથે આવવાનું કહ્યું.
સુધીર મુનગંટીવાર ભાજપ અને શિવસેનાની 2014થી 2019 સુધી ચાલેલી ગઠબંધન સરકાર દરમિયાન ચલાવવામાં આવેલા વૃક્ષ સંરક્ષણ અભિયાનની વાત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે મેં 2016માં જ્યારે આ યોજના શરૂ કરી હતી, ત્યારે રાજ્યના તમામ પ્રમુખ નેતા ત્યાં ઉપસ્થિત હતા. મુનગંટીવારે કહ્યું- ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ વૃક્ષ વાવવા લગાવ્યા હતા. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરે પણ કંઈક બોલવા લાગ્યા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમારા દ્વારા લગાડવામાં આવેલા વૃક્ષોમાં ફળ નથી લાગ્યા. જેના પર મુનગંટીવારે કહ્યું કે અમે તમને વારંવાર કહી રહ્યાં છીએ કે વૃક્ષ ફળ આપશે પરંતુ તમે તો વૃક્ષ સાથે સંબંધ જ તોડી નાખ્યા તો તેનું અમે શું કરીએ?
ભાજપના મંત્રીએ ઈશારામાં આપ્યું ઉદ્ધવ ઠાકરેને સાથે આવવાનું આમંત્રણ
સુધીર મુનગંટીવારે કહ્યું કે હજુ કંઈ નથી બગડ્યું, ઉદ્ધવજી એક વખત ફરી શાંતિથી વિચાર કરે. સુધીર મુનગંટીવારે આ નિવેદનને લઈને કહ્યું કે તેમણે સંકેતમાં ઉદ્ધવ ઠાકરેને સાથે આવવાનું આમંત્રણ આપ્યું. જે બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે ફડણવીસ સાથે મુલાકાત માત્ર એક સંયોગ હતો. પછી પણ વિધાનસભામાં એક જ દિવસમાં બે ઘટનાઓ બનવાથી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
