મધ્ય પ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર: એકથી વધુ લગ્ન કરનાર હવે સીધા જશે જેલમાં

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે UCC વિધેયક પસાર થયું છે. એકથી વધુ લગ્ન કરનાર સામે કડક કાર્યવાહી અને જેલની સજાની જોગવાઈ કરાઈ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 21 Jul 2026 04:23 PM (IST)Updated: Tue, 21 Jul 2026 04:23 PM (IST)
ucc-bill-passed-in-madhya-pradesh-assembly-those-entering-into-more-than-one-marriage-will-now-go-straight-to-jail

ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના ભારે હોબાળા વચ્ચે સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ સાથે મધ્ય પ્રદેશ દેશનું ચોથું એવું રાજ્ય બન્યું છે જેણે આ કાયદાને મંજૂરી આપી હોય. આ પહેલા ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ આ ખરડો પસાર કરી ચૂક્યા છે.

મુખ્યમંત્રીનું આક્રમક નિવેદન

બિલ પરની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ધરતી પર હવે તે જ રહી શકશે જેણે માત્ર એક જ લગ્ન કર્યા હોય. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે એકથી વધુ લગ્ન કરનાર હવે જેલમાં જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે- રામથી રહીમ સુધી દરેક નાગરિક એક જ કાયદાથી ચાલે તે માટે આ સમાન નાગરિક સંહિતા લાવવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો બહેનોને રમકડું માને છે અને તેમનું જીવન નરક બનાવે છે, જેમને હવે સરકાર સજા અપાવશે.

વિરોધ પક્ષની માગ અને દલીલો

કોંગ્રેસના સભ્યોએ આ વિધેયકનો જોરદાર વિરોધ કર્યો હતો અને ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે દલીલ કરી હતી કે સરકાર માટે UCC કરતા OBC વર્ગને 27 ટકા અનામત આપવી વધુ મહત્વની હોવી જોઈએ.

બીજી તરફ ધારાસભ્ય આરિફ મસૂદે બંધારણની કલમ 29નો હવાલો આપીને લઘુમતીઓના અધિકારોના રક્ષણની વાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે એક ખાસ વર્ગને નિશાન બનાવવા માટે રાજકીય એજન્ડા હેઠળ આ બિલ લાવવામાં આવ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે કેન્દ્ર સરકાર આ બાબતે કોઈ ઉતાવળમાં નથી, તો મધ્ય પ્રદેશમાં આવી શું સ્થિતિ સર્જાઈ છે? વિપક્ષે આ બિલને પ્રવર સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી, જેને સરકારે અમાન્ય રાખી હતી અને બહુમતીથી બિલ પસાર કરવામાં આવ્યું હતું