Twisha Sharma Death Case Update: અભિનેત્રી ટ્વિશા શર્માના રહસ્યમય મોતના મામલામાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં ટ્વિશાના નજીકના મિત્રોએ તેના પતિ સમર્થ સિંહ અને સાસરિયા પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્વિશાની ખાસ સહેલી પ્રાચી સહિત અન્ય મિત્રોએ દાવો કર્યો છે કે અભિનેત્રીના મોતના પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેનો પર્સનલ મોબાઈલ ફોન જાણીજોઈને છુપાવવામાં આવ્યો હતો.
બે મોબાઈલ ફોન અને ગાયબ થયેલા પુરાવાનું રહસ્ય
સૌથી મોટો ખુલાસો ટ્વિશાના ફોનને લઈને થયો છે. તેની બહેનપણી પ્રાચીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, ટ્વિશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે બે અલગ-અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી. જે દિવસે ટ્વિશાનું અવસાન થયું, તે દિવસે તેનો બિઝનેસ ફોન સાસરિયાઓ પાસે હતો. પરંતુ, જેમાં તમામ મહત્વની ચેટ્સ, કોલ રેકોર્ડિંગ્સ અને અંગત વિડિયો હતા, તે પર્સનલ ફોન રહસ્યમય રીતે ગાયબ કરી દેવાયો હતો.
પ્રાચીના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસનું દબાણ વધ્યું ત્યારે મોતના 3 થી 4 દિવસ પછી આ પર્સનલ ફોન સબમિટ કરવામાં આવ્યો હતો. આ વિલંબ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા મિત્રોએ વ્યક્ત કરી છે.
'ગંવાર' કહીને મિત્રો સામે જ કરાતું અપમાન
અન્ય મીડિયા અહેવાલો અને ટ્વિશાના મિત્રો નવરતન, પ્રેરણા અને પુરુષોત્તમના જણાવ્યા મુજબ, પતિ સમર્થ સિંહ અવારનવાર ટ્વિશાને માનસિક રીતે ટોર્ચર કરતો હતો. નવરતને ખુલાસો કર્યો કે- સમર્થ અને તેનો પરિવાર મિત્રો તેમજ સંબંધીઓની સામે ટ્વિશાની લાયકાત પર સવાલ ઉઠાવતા હતા. તેઓ જાહેરમાં કહેતા કે આને કંઈ આવડતું નથી, આણે વળી શું ભણતર મેળવ્યું છે! એટલું જ નહીં, સમર્થ તેને બધાની સામે ગંવાર કહીને અપમાનિત કરતો હતો.
ગર્ભપાત અને સંબંધોમાં કડવાશ
તપાસમાં સામે આવ્યું છે કે ટ્વિશાના ગર્ભપાત બાદ બંને વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા. પ્રાચીએ સ્પષ્ટ કર્યું છે કે આ ગર્ભપાત પરસ્પર સંમતિથી નહોતો કરાયો, બલ્કે તેના માટે દબાણ કરવામાં આવ્યું હોવાના સંકેત છે.
બીજી તરફ, ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહે ટ્વિશાના ઉછેર અને માનસિક સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. સાસુએ દાવો કર્યો હતો કે ટ્વિશા માનસિક સારવાર લઈ રહી હતી. જોકે, મિત્રોએ આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે સાસરિયાઓ દ્વારા ટ્વિશાના ચરિત્ર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને CCTV ફૂટેજ પર સવાલો
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવેલી વિસંગતતા છે. ટ્વિશાના મિત્રોના મતે, સત્તાવાર રિપોર્ટમાં ટ્વિશાની લંબાઈ 161 સેમી દર્શાવવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં તેની હાઈટ 172 સેમી હતી. આટલો મોટો તફાવત રિપોર્ટ સાથે છેડછાડ થઈ હોવાની આશંકા પેદા કરે છે.
આ ઉપરાંત, ટ્વિશાના પિતરાઈ ભાઈ આશિષ શર્માએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કોર્ટમાં રજૂ કરાયેલા મહત્વના CCTV ફૂટેજ જે પોલીસ પાસે હોવા જોઈતા હતા, તે અત્યારે આરોપીઓ પાસે છે.
પરિવાર હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે
આ કેસમાં સાસુ ગિરિબાલા સિંહને કોર્ટમાંથી વચગાળાના જામીન મળેલા છે. ટ્વિશાના પરિવારે હવે આ જામીનને મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. પરિવાર અને મિત્રોની એક જ માંગ છે કે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ થાય અને દહેજ ઉત્પીડન તેમજ આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે કડક કાર્યવાહી કરવામાં આવે.
