'અચાનક બે શખ્સ આવ્યા અને ગોળીબાર કર્યો', પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના

આ બનાવ બાદ મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણ શકમંદ આરોપીની ધરપકડ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Oct 2026 02:14 PM (IST)Updated: Mon, 19 Oct 2026 02:14 PM (IST)
tiger-shroff-firing-incident-eyewitness-explain-juhu-mumbai

Tiger Shroff Firing: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં મોટરસાયકલ પર આવેલા બે હુમલાખોરોએ ફાયરિંગ કરતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવર અને નજીકમાં ઊભેલા એક અન્ય શખ્સ ઘાયલ થયા છે. આ હુમલા દરમિયાન ઘટનાસ્થળે હાજર ઘણા લોકો પૈકી એક પ્રત્યક્ષદર્શી શાહરુખ શેખે સમાચાર એજન્સી PTI ને માહિતી આપી હતી.

ટાઈગર શ્રોફ પર થયેલીફાયરિંગના પ્રત્યક્ષદર્શી શાહરુખ શેખે જણાવ્યું કે, "ઘટના સમયે હું કારની પાછળ ઊભો હતો. અમે કાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા, જેથી અમે તસવીરો લઈ શકીએ. અમને જરાય ખ્યાલ નહોતો કે શું થવા જઈ રહ્યું છે. એક જ સેકન્ડમાં બે માણસો આવ્યા અને તેમણે ટાઈગર શ્રોફને નિશાન બનાવીને, તે જ્યાં બેઠા હતા તે જ સીટ પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો."

 

શાહરુખ શેખે વધુમાં જણાવ્યું કે,"હુમલાખોરો તરત જ પોતાના વાહનમાં બેસીને ત્યાંથી ફરાર થઈ ગયા. એક ગોળી ડ્રાઈવરને વાગી, જ્યારે કારની સાથે ચાલી રહેલા એક ચાહકના પેટમાં ગોળી વાગી હતો. શરૂઆતમાં ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો, પરંતુ તેને ગોળી વાગ્યા બાદ ટાઈગર શ્રોફે કારમાં પોતાની જગ્યા બદલી અને પોતે જ કાર ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા. ઘટનાસ્થળે ઈજાગ્રસ્તનું લોહી પડ્યું હતું."

આપને જણાવી દઈએ કે, આ બનાવ બાદ મુંબઈ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણ શકમંદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર ઘટના બાદ સ્થળ પરથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. જે બાદ આરોપીઓ ટ્રેનમાં પહેલા ગુજરાત અને પછી રાજસ્થાન પહોંચ્યા હતા. આ દરમિયાન કોટા પોલીસે ત્રણ આરોપીની કોટા રેલવે સ્ટેશન પરથી અટકાયત કરી હતી.

હાલમાં, ત્રણેય આરોપીને મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ ટાઈગર શ્રોફ નાની-મોટી ઈજાઓ થવા છતાં સંપૂર્ણ સ્વસ્થ છે. વધુમાં, ઈજાગ્રસ્ત ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટાઈગર શ્રોફના નિવાસસ્થાને જઈ તેમની મુલાકાત કરી હતી.