વાવાઝોડા 'અકવાન'નો ખતરો; આંધ્રમાં રેડ એલર્ટ, 21 નવેમ્બર સુધી કોણાર્ક મંદિર બંધ અને વંદે ભારત સહિત 39 ટ્રેનો રદ

ઓડિશા તરફ આગળ વધી રહેલા વાવાઝોડા અકવાનને પગલે 19 થી 21 નવેમ્બર સુધી કોણાર્ક સૂર્ય મંદિર બંધ રહેશે. સુરક્ષાના ભાગરૂપે વંદે ભારત સહિત 39 ટ્રેનો રદ કરાઈ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 19 Nov 2026 11:43 PM (IST)Updated: Thu, 19 Nov 2026 11:43 PM (IST)
threat-of-cyclone-akwan-red-alert-in-andhra-konark-temple-closed-until-november-21-and-39-trains-including-vande-bharat-cancelled

Cyclone Akwan: બંગાળની ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડા 'અકવાન'ને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સતર્ક થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા તરફ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી મુસાફરો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન અને રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ વાવાઝોડાની સંભવિત અસરને પગલે પુરી સ્થિત ઐતિહાસિક કોણાર્ક સૂર્ય મંદિર અને પુરાતત્વ સંગ્રહાલય ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં પણ હવામાન અંગે એલર્ટ જાહેર કરાયું છે.

19 થી 21 નવેમ્બર સુધી કોણાર્ક મંદિર અને મ્યુઝિયમ બંધ

ઓડિશામાં વાવાઝોડા 'અકવાન'ના સંભવિત જોખમ અને સુરક્ષાના કારણોસર પુરી જિલ્લામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિર તેમજ કોણાર્ક પુરાતત્વ સંગ્રહાલય 19 નવેમ્બરથી 21 નવેમ્બર 2026 સુધી પ્રવાસીઓ અને સામાન્ય લોકો માટે બંધ રહેશે. ભારે પવન અને વરસાદની શક્યતાને જોતા મુલાકાતીઓને કોઈ અગવડ કે જોખમ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આંધ્રપ્રદેશમાં બે દિવસનું એલર્ટ

વાવાઝોડાના પ્રભાવને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશમાં પણ આગામી બે દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને સજ્જ રહેવા સૂચના અપાઈ છે, જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.

39 ટ્રેનો રદ થતા મુસાફરોની મુશ્કેલી વધી

ઓડિશાના દરિયાકાંઠા તરફ વાવાઝોડા 'અકવાન'ના આગમન અને રેલ સંચાલનમાં સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રે મોટો નિર્ણય લીધો છે. 19, 20 અને 21 નવેમ્બરના રોજ દોડનારી કુલ 39 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ રદ કરાયેલી ટ્રેનોમાં લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોની સાથે વંદે ભારત, પેસેન્જર અને મેમુ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

ટ્રેનો રદ થવાથી ઓડિશાનો પડોશી રાજ્યો સાથેનો રેલ વ્યવહાર પ્રભાવિત થશે. ખાસ કરીને પુરી, ભુવનેશ્વર, કટક અને બરહમપુરથી અવરજવર કરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે છે.

રદ કરાયેલી મુખ્ય ટ્રેનોની વિગત

રેલવે દ્વારા રદ કરાયેલી મહત્વની ટ્રેનોમાં કેટલીક ટ્રેનો સામેલ છે-

  • ભુવનેશ્વર-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ (20841/20842)
  • હાવડા-પુરી વંદે ભારત એક્સપ્રેસ (22895/22896)
  • ટાટાનગર-બરહમપુર વંદે ભારત એક્સપ્રેસ (20891/20892)
  • પુરી-યશવંતપુર ગરીબ રથ એક્સપ્રેસ (22883/22884)

મુસાફરો માટે રેલવેની સલાહ

રેલવે તંત્રે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પ્રવાસ પર નીકળતા પહેલા પોતાની ટ્રેનની અપડેટ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. સ્ટેશન પર પહોંચ્યા બાદ કોઈ અસુવિધા કે પરેશાની ન થાય તે માટે નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ (NTES) અથવા રેલવેના સત્તાવાર પૂછપરછ માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.