Telangana Bus Accident: તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. હૈદરાબાદથી વિજયવાડા જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોદાડ મંડળના દુર્ગાપુરમ સ્ટેજ અને દ્વારકુંટા નજીક અચાનક આગળ જઈ રહેલા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. સવારે આશરે 5:20 વાગ્યે બનેલી આ ઘટનામાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
43 મુસાફરો સાથે જઈ રહી હતી બસ; ચીસાચીસથી ગૂંજી ઊઠ્યો વિસ્તાર
અકસ્માતનો ભોગ બનેલી ખાનગી બસમાં કુલ 43 મુસાફરો સવાર હતા. ધડાકો એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક રાહત કાર્ય હાથ ધરીને ઈજાગ્રસ્તોને બહાર કાઢી નજીકની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડ્યા છે. સૂર્યપેટ પોલીસે મૃતકોના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યા છે અને આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ વ્યક્ત કર્યો શોક
તેલંગાણાના CMO દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી કે મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ આ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રાજ્યના મુખ્ય સચિવ અને જિલ્લા પ્રશાસનને ઈજાગ્રસ્ત મુસાફરોને ઝડપી અને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા માટે જરૂરી તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
હાઇવે પર બનેલી આ ભયાનક દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
