Adani Arogya Mandir In West Bengal: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતાના ન્યૂ ટાઉન સ્થિત 'બંગાળ સિલિકોન વેલી ટેક હબ' ખાતે 2000 બેડની ક્ષમતા ધરાવતા 'અદાણી આરોગ્ય મંદિર'નો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળના 2026ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ પ્રકલ્પનો અમલ અદાણી ફાઉન્ડેશન કરશે.
આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક 2 લાખથી વધુ ઇન ડોર દર્દીઓ અને 20 લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે લગભગ 10 હજાર રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પૂર્વ ભારત તથા તેની બહારના વિસ્તારો માટે વિશ્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્ટર અને વ્યાપક આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ તરીકે કલ્પવામાં આવેલા આ પ્રકલ્પમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુનું રોકાણ કરાશે.
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે બંગાળના પુનર્નિર્માણ માટે અમે અદાણીની હાજરીની રાહ જોઈ રહ્યા છીએ. આ આખરી પરિકલ્પના માત્ર એક હોસ્પિટલના સંકુલની નહી પણ સંપૂર્ણ સંકલિત 'હેલ્થકેર સિટી' હશે. તેમણે કહ્યું હતું કે ભારતમાં ક્યાંય પણ આટલી ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની હોસ્પિટલ નથી. આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમને મોટો વેગ આપશે. પશ્ચિમ બંગાળ માટે આ ઐતિહાસિક, અર્થપૂર્ણ અને શુભ દિવસ છે તેમ જણાવી અધિકારીએ ઉમેર્યું હતું કે 'વિકસિત ભારત 2047'નું લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થઈ શકે જો બંગાળનો વિકાસ થાય.
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી આરોગ્ય મંદિર એક વિશ્વ કક્ષાની, બિન-નફાકારી તબીબી સંસ્થા હશે જેમાં શામેલ 2000 બેડમાંની એક હજાર બેડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવાને પાત્ર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને સેવા આપશે. 51.75 એકરમાં આકાર લેનાર 'અદાણી આરોગ્ય મંદિર' એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 'સ્ટેપ-ડાઉન' અને 'ટ્રાન્ઝિશનલ કેર' ની સુવિધાઓ સાથેની આ વ્યાપક ઇકોસિસ્ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે 'મેડિટેલ' અને 'વિશ્રામ ગૃહ'નો પણ સમાવેશ થશે.
