સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: ઘરમાં રાખેલા સોનાનો સ્ત્રોત જણાવવો જરૂરી, માત્ર 500 ગ્રામની મર્યાદા બતાવીને છટકી નહીં શકાય

જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સોનું જપ્ત ન થવું અને તેના કાયદેસર માલિક હોવું એ બંને અલગ બાબતો છે. દરોડા દરમિયાન મહિલાઓએ અધિકારીઓને ઘરમાં સોનું ક્યાંથી આવ્યું તેનો સ્ત્રોત જણાવવો પડશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 13 Nov 2026 09:57 AM (IST)Updated: Fri, 13 Nov 2026 09:57 AM (IST)
supreme-court-ruling-gold-limit-500-grams-women-must-explain-source
સોનાના નિયમો

Supreme Court Gold Limit Ruling: દેશમાં વર્ષોથી એવો નિયમ અને માન્યતા પ્રચલિત છે કે જો આવકવેરા વિભાગ (Income Tax) ના દરોડા પડે, તો પરિણીત મહિલા પાસે 500 ગ્રામ સુધીનું સોનું હોય તો અધિકારીઓ તેને જપ્ત કરી શકતા નથી. ઘણા લોકો આ નિયમનો લાભ લઈને એવું માની લેતા હતા કે 500 ગ્રામ સુધી સોનું રાખવા પર કોઈ જવાબ આપવો પડતો નથી. જોકે, સુપ્રીમ કોર્ટે હવે આ મામલે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પલ્લીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "સોનું જપ્ત ન થવું અને તેના કાયદેસર માલિક હોવું એ બંને અલગ બાબતો છે." દરોડા દરમિયાન મહિલાઓએ અધિકારીઓને ઘરમાં સોનું ક્યાંથી આવ્યું તેનો સ્ત્રોત જણાવવો પડશે.

બિહારની પૂર્વ મહિલા અધિકારીના કેસમાં આવ્યો ચુકાદો

સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો બિહારની એક પૂર્વ સરકારી અધિકારીના ભ્રષ્ટાચારના મામલામાં આવ્યો છે. બિહારની પૂર્વ બાળ વિકાસ પરિયોજના પદાધિકારી (CDPO) ફૂલપરી કુમારી વિરુદ્ધ વર્ષ 2015 માં બિહાર વિજિલન્સ દ્વારા આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન તેમની પાસેથી 646.400 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. તેમણે એવી દલીલ કરી હતી કે નિયમ મુજબ પરિણીત મહિલા માટે 500 ગ્રામ અને અપરિણીત પુત્રી માટે 250 ગ્રામ સોનું જપ્તીથી સુરક્ષિત છે. મે 2026 માં પટના હાઈકોર્ટે તેમની સામેની કાર્યવાહી રદ કરી દીધી હતી. જોકે, બિહાર સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં બેન્ચે હાઈકોર્ટનો ચુકાદો પલટી નાખ્યો અને તેમની સામે કેસની કાર્યવાહી ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ઘરમાં રાખેલા સોનાના નિયમો

1) સવાલ: ઘરમાં રાખેલા સોના અંગે શું નિયમ છે?

જવાબ: આવકવેરાના દરોડા દરમિયાન પરિણીત મહિલા પાસે 500 ગ્રામ સુધી, અપરિણીત મહિલા પાસે 250 ગ્રામ સુધી અને પુરુષ પાસે 100 ગ્રામ સુધી સોનું હોય, તો અધિકારીઓ તેને જપ્ત કરતા નથી.

2) સવાલ: શું ઘરમાં સોનું રાખવાની કોઈ મહત્તમ મર્યાદા છે?

જવાબ: ના, કોઈ ઉપલી મર્યાદા નક્કી નથી. પરિવાર કાયદેસર રીતે 500 ગ્રામથી વધુ સોનું પણ રાખી શકે છે, શરત માત્ર એટલી છે કે તે કાયદેસરની આવકમાંથી ખરીદવામાં આવ્યું છે તે સાબિત થવું જોઈએ.

3) સવાલ: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કેવી રીતે સમજવો?

જવાબ: સુપ્રીમ કોર્ટે દરેક સામાન્ય નાગરિક પાસેથી તેમના ઘરેણાંનો હિસાબ માંગ્યો નથી, કે ન તો જપ્તીથી મળતી સુરક્ષાનો નિયમ નાબૂદ કર્યો છે. આ નિર્ણય એવા લોકો માટે છે જેઓ ભ્રષ્ટાચાર કે કાળા નાણાંને છુપાવવા માટે આ મર્યાદાનો ખોટો સહારો લે છે.

4) સવાલ: સામાન્ય નાગરિકોએ શું સાવચેતી રાખવી જોઈએ?

જવાબ: તમારા નવા કે જૂના ઘરેણાંના બિલ, રસીદો, લગ્નની કંકોત્રી અથવા વારસામાં મળેલા દાગીનાના દસ્તાવેજો સાચવીને રાખો. સામાન્ય રીતે પૈતૃક ઘરેણાંના દરેક બિલ માંગવામાં આવતા નથી, પરંતુ આવકનો સ્ત્રોત સ્પષ્ટ હોવો હિતાવહ છે.