"કોઈ આંદોલન કરવા માંગે છે, તો કોઈ મગફળી...": કનોટ પ્લેસ બંધ કરવા સામેની વેપારીઓની અરજી પર સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીથી ઇનકાર

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને NDMCએ સેન્ટ્રલ પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેને વેપારીઓએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Oct 2026 02:56 PM (IST)Updated: Fri, 16 Oct 2026 02:56 PM (IST)
supreme-court-refuses-urgent-hearing-connaught-place-central-park-closure-cjp-protest
સુપ્રીમ કોર્ટ કનોટ પ્લેસ સમાચાર

Supreme Court Connaught Place News: દિલ્હીના વ્યાપારી કેન્દ્ર 'કનોટ પ્લેસ' સ્થિત સેન્ટ્રલ પાર્કને બંધ કરવાના નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ના નિર્ણય સામે વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણીની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને NDMCએ સેન્ટ્રલ પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેને વેપારીઓએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: "પરિસ્થિતિ ઊભી થશે ત્યારે જોઈ લઈશું"

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બનેલી ખંડપીઠે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન CJI સૂર્ય કાંતે નોંધ્યું, "અમને આશા છે કે દરેક વ્યક્તિ સમજદારીથી કામ લેશે. તહેવારોની મોસમમાં નાના દુકાનદારો આ દિવસોમાં જ પોતાની આજીવિકા કમાતા હોય છે. સમગ્ર પરિવારોએ જે મુશ્કેલીઓ અને કઠણાઈઓનો સામનો કરવો પડે છે, તેનાથી અમે વાકેફ છીએ. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે અમે જોઈ લઈશું."

બીજી તરફ, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ અવલોકન કર્યું હતું કે વિરોધ કરવાનો અધિકાર, આજીવિકા મેળવવાનો અધિકાર અને કાયદો-વ્યવસ્થા જાળવવાની બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે ઉમેર્યું કે જો વેપાર-ધંધાને અન્યાયી નુકસાન થશે તો કોર્ટ પાસે જાહેર કાયદા અને વળતર સંબંધિત સત્તાઓ હેઠળ હસ્તક્ષેપ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે આ અરજી પર આગામી 26 અથવા 27 ઓક્ટોબરે સુનાવણી થઈ શકે છે.

વેપારીઓની ચિંતા: દૈનિક ₹200 કરોડના વેપારને ફટકો

અરજદારો તરફથી રજૂ થયેલા વકીલ જય અનંત દેહદરાઈએ 'દિલ્હી કિરાણા કમિટી' અને 'દિલ્હી આયર્ન એન્ડ હાર્ડવેર મર્ચન્ટ્સ એસોસિએશન' વતી અદાલતનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે NDMCએ ગુરુવારે મોડી રાત્રે અચાનક નોટિસ જારી કરીને સેન્ટ્રલ પાર્ક બંધ કરી દીધો છે. વેપારી સંગઠનોની દલીલ છે કે તહેવારોની મોસમ નજીક આવી રહી હોવાથી કનોટ પ્લેસ બંધ રહેવાથી દૈનિક અંદાજે ₹200 કરોડના વેપાર-ધંધાને સીધી પ્રતિકૂળ અસર પડશે.

વિવાદનું મુખ્ય કારણ: CJP નું વિરોધ પ્રદર્શન

સમગ્ર વિવાદનું કારણ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતા અભિજીત દીપકે દ્વારા સેન્ટ્રલ પાર્ક ખાતે રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર થવા માટે જનતાને કરાયેલી અપીલ છે. CJPનો આક્ષેપ છે કે તેમના સભ્યો સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ત્રિરંગો ફરકાવવા બદલ જેલમાં પૂરવામાં આવ્યા છે. આ વિરોધ પ્રદર્શનના આહ્વાનને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે NDMCએ સેન્ટ્રલ પાર્ક બંધ કરવાનો નિર્ણય લીધો હતો.