Delhi Student Protest, Supreme Court Hearing: NEET પેપર લીક મામલે ગત 20 જુલાઈએ થયેલા દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું કે, દેશના બંધારણ હેઠળ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર સંપૂર્ણ ગેરંટીકૃત છે. માત્ર આંદોલનના આધારે જ લાઠીચાર્જ કરી શકાય નહીં.
પોલીસના લાઠીચાર્જ બાદ પ્રદર્શન ઉગ્ર બન્યું
ગત 20 જુલાઈએ વિદ્યાર્થીઓની 'સંસદ ચલો' માર્ચ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને આંસુ ગેસના ઉપયોગની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીકને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે જ્યારે પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના પગલે આ પ્રદર્શન વધુ ઉગ્ર બની ગયું હતું.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં શું માંગણીઓ?
લાઠીચાર્જની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેટલીક મહત્વની માંગો કરવામાં આવી છે. જેમાં આ ઘટનાઓની સ્વતંત્ર તપાસ, CCTV ફૂટેજ, બોડી-કેમેરા રેકોર્ડિંગ અને અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓ સાચવવા તેમજ ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીઓ માટે વળતરની માંગનો સમાવેશ થાય છે.
આંદોલનની અસર, લોકસભામાં વિપક્ષનો હોબાળો
વિદ્યાર્થીઓના આ આંદોલનની અસર સંસદમાં પણ જોવા મળી હતી. લોકસભામાં વિપક્ષના સાંસદોએ પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા સંસદની કાર્યવાહી ખોરવી નાખી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારની ચર્ચા થવા દેશે નહીં.
36 દિવસ બાદ વિદ્યાર્થીઓના આંદોલનનો અંત
કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં 36 દિવસથી ચાલી રહેલું આ આંદોલન શનિવારે આખરે સમાપ્ત થયું. જ્યારે સરકારે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણી સ્વીકારી લીધી હતી. આ ઉપરાંત, ધર્મેન્દ્ર પ્રધાને પણ શિક્ષણ મંત્રીના પદેથી રાજીનામું આપી દેતા આંદોલન સમેટાઈ ગયું હતું.
