Legal News: 'બ્રેકઅપ કે લગ્ન માટે ના પાડવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

તેલંગણાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા 6 લોકો સામે કાર્યવાહી રદ કરવા આદેશ આપ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Oct 2026 03:58 PM (IST)Updated: Thu, 08 Oct 2026 03:58 PM (IST)
supreme-court-on-abetment-of-suicide-case-of-live-in-relationship-refusal-to-marry-telangana-legal-news

Legal News: આત્મહત્યા માટે ઉશ્કેરણીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, પરસ્પર સંમતિથી બનેલા સંબંધો બાદ લગ્ન માટે ઈનકાર કરવો એ આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે તેલંગાણાના કેસમાં 6 લોકો સામેની કાર્યવાહી રદ કરી છે.

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું કે, પરસ્પર સંમતિથી બનેલા સંબંધો પછી જો કોઈ પ્રેમી લગ્ન કરવાનો ઈનકાર કરી દે, તો તેને આપોઆપ આત્મહત્યા માટે ઉશ્કેરણી (Abetment to Suicide) માની શકાય નહીં. આ ટિપ્પણી સાથે સર્વોચ્ચ અદાલતે એક મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર છ લોકો સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લાની અદાલતમાં પેન્ડિંગ કેસને રદ કરતા જણાવ્યું હતું કે, રેકોર્ડ પર એવો કોઈ પુરાવો કે સામગ્રી મળી નથી, જેનાથી એ સાબિત થઈ શકે કે આરોપીઓએ મહિલાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી કે ઉશ્કેરી હતી.

આ સમગ્ર મામલો એક મહિલાની આત્મહત્યા સાથે જોડાયેલો છે, જે પોતાના કથિત પ્રેમી સાથે લગભગ ત્રણ મહિના સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહી હતી. મૃતકના ભાઈ-બહેનોનો આરોપ હતો કે, પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ તેણે આ ખોફનાક પગલું ભર્યું હતું. મૃતકની બહેનની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી.

પ્રોસિક્યુશનના જણાવ્યા મુજબ, બંનેનો સંબંધ પરસ્પર સંમતિથી હતો. આરોપ એવો પણ હતો કે પ્રેમીના એક મિત્રે મહિલા વિશે ખોટી વાતો કહી હતી અને પ્રેમીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હતા. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રેમીના લગ્ન કરવાનો ઈનકાર કરવાથી બહેનનો સંબંધ નક્કી થવામાં અડચણો આવી રહી હતી, જેનાથી સંબંધ પર દબાણ વધી ગયું હતું.

સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું કે, આત્મહત્યા કરતા પહેલાં જ મૃતકે મોટી બહેનને ફોન કરીને જણાવ્યું હતું કે તેના પ્રેમીએ લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો છે. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આનાથી એ સાબિત થતું નથી કે આરોપીએ તેને મરવા માટે ઉશ્કેરી હતી. આ ન તો ઈરાદા પૂર્વક હતું, અને ન તો તેને આત્મહત્યા માટે ઉશ્કેરણી કહી શકાય. દરેક માણસની કોઈ પરિસ્થિતિ પર અલગ-અલગ પ્રતિક્રિયા હોય છે. જો કોઈ બ્રેકઅપ પછી વ્યક્તિ આત્મહત્યા કરી લે છે, તો તેને હંમેશાં 'આત્મહત્યા માટે ઉશ્કેરણી' કહી શકાય નહીં.