"કોઈપણ જાહેર સ્થળ પર અનિશ્ચિત સમય માટે કબજો જમાવી શકાય નહીં": દિલ્હી પ્રદર્શન મામલે સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન

મંગળવારે સર્વોચ્ચ અદાલતમાં દિલ્હીના વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 03 Nov 2026 02:55 PM (IST)Updated: Tue, 03 Nov 2026 02:55 PM (IST)
supreme-court-observation-public-spaces-protests-delhi-traders-petition
સુપ્રીમ કોર્ટ

Supreme Court Protest Observation: જાહેર સ્થળો પર થતા અનિશ્ચિતકાલીન વિરોધ પ્રદર્શનો અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સર્વોચ્ચ અદાલતે (Supreme Court) સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિ કે સંગઠન જાહેર સ્થળ પર અનિશ્ચિત સમય માટે કબ્જો જમાવી શકે નહીં. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય જૂથો અને નાગરિકોને પણ પોતાની ફરિયાદો રજૂ કરવાનો અને વિરોધ કરવાનો સમાન અધિકાર છે.

વેપારીઓની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મંગળવારે સર્વોચ્ચ અદાલતમાં દિલ્હીના વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીઓમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન સર્જાતી અરાજકતા, લોકોની સામૂહિક અટકાયત, મેટ્રો સ્ટેશનો બંધ કરવા, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવી અને સ્થાનિક વેપાર-ધંધાને થતા આર્થિક નુકસાન જેવા મુદ્દાઓને પડકારવામાં આવ્યા હતા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્ય કાન્તે અત્યંત મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, "તમે કોઈ જગ્યા પર અનિશ્ચિત સમય માટે કબ્જો કરી શકો નહીં. અન્ય પ્રદર્શનકારીઓ પણ છે; જો દરેક સ્થળ રોકાઈ જશે તો ખેડૂતો કે વકીલોએ પોતાની રજૂઆત કરવા ક્યાં જવું? લોકશાહીમાં દરેક વ્યક્તિને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે."

સુપ્રીમ કોર્ટનું આ અવલોકન દિલ્હીના જંતર-મંતર ખાતે ગયા મહિને વિરોધ પક્ષો દ્વારા ભારતીય ચૂંટણી પંચ (ECI) વિરુદ્ધ યોજાયેલા મોટા પ્રદર્શન સંદર્ભે આવ્યું છે. તે સમયે આ સ્થળનો નિર્ધારિત 'પ્રોટેસ્ટ સાઈટ' તરીકેનો દરજ્જો રદ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી.

વેપારીઓને કરોડોનું નુકસાન

વેપારી સંગઠનોના વકીલે અદાલત સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન સ્થળની આસપાસ આશરે 50 લાખ લોકો વસે છે. સતત પ્રદર્શનો અને બેરિકેડિંગના કારણે તમામ દુકાનો બંધ રાખવી પડે છે, જેના કારણે કનૉટ પ્લેસ (CP) જેવા મુખ્ય વેપારી મથકો સુમસામ બની ગયા છે અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

અદાલતે વેપારી સંગઠનોને આદેશ આપ્યો છે કે તેઓ 'ચૂંટણી પંચ વિરોધી' પ્રદર્શનના મુખ્ય આયોજકોને પણ પોતાની અરજીમાં પક્ષકાર તરીકે સામેલ કરે.

સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જે કોઈ પણ સંગઠન કે વ્યક્તિ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરે છે, તેમણે તેનાથી થતી જાહેર જનતાની અસૌલત અને પરિણામોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ.