દિવાળી પર ગ્રીન ફટાકડા ફોડવા સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, જાણો શરતો અને નક્કી કરેલો સમય

સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં દિવાળી પર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. નિયત સમય, QR કોર્ડની શરત અને ઉત્પાદન પર કોર્ટે આપેલા મહત્વના નિર્દેશો વિશે વિગતવાર વાંચો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 04:09 PM (IST)Updated: Mon, 02 Nov 2026 04:09 PM (IST)
supreme-court-allows-green-crackers-for-diwali-rules-timings

Supreme Court News: સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ રોકવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ વ્યવહારુ ઉકેલ નથી. અગાઉના અનુભવો દર્શાવે છે કે કડક પ્રતિબંધો છતાં ગેરકાયદેસર રીતે પરંપરાગત અને વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓનું વેચાણ ચાલુ જ રહ્યું હતું. આથી પ્રતિબંધ લાદવાને બદલે ગ્રીન ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર યોગ્ય નિયંત્રણ મૂકવું વધુ યોગ્ય છે. આ સાથે કોર્ટે અગાઉના પ્રતિબંધોનો યોગ્ય અમલ ન કરાવી શકવા બદલ દિલ્હી સરકાર અને કાઉન્સિલ ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ (CAQM)ની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

ફટાકડા ફોડવાનો સમય અને સ્થળની મર્યાદા

જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની બેંચે માત્ર 7 અને 8 નવેમ્બરના રોજ જ ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપી છે. આ દિવસો દરમિયાન પણ માત્ર સવારે 6:00 થી 7:00 વાગ્યા સુધી અને રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી જ આતિશબાજી કરી શકાશે. આ ઉપરાંત હોસ્પિટલો, નર્સિંગ હોમ, શાળાઓ, વૃદ્ધાશ્રમો અને અન્ય નોટિફાઇડ સાયલન્સ ઝોનના 300 મીટરના દાયરામાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 9 નવેમ્બરથી ફટાકડાના વેચાણ પર ફરીથી પૂરેપૂરો પ્રતિબંધ લાગુ થઈ જશે.

ઉત્પાદન અને વેચાણ માટે કડક દિશા-નિર્દેશો

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રીન ફટાકડાનું ઉત્પાદન માત્ર 2 થી 6 નવેમ્બર દરમિયાન જ કરી શકાશે. આ ઉત્પાદન પણ માત્ર એ જ ફેક્ટરીઓ કરી શકશે જેઓ CSIR-NEERI અને PESO દ્વારા અધિકૃત અને પ્રમાણિત હોય. દરેક ફટાકડાના બોક્સ પર પ્રોડક્ટ અને બેચ નંબર દર્શાવતો QR કોડ હોવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ફટાકડાની લડીઓ, બેરિયમ નામના રસાયણ ધરાવતા અને બિન-પ્રમાણિત ફટાકડા પર સખત મનાઈ રહેશે. આ સાથે કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ રોક લગાવવામાં આવી છે.

પ્રશાસન માટે સૂચના અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ

ગેરકાયદેસર અને નકલી ફટાકડાનું વેચાણ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને સતત સક્રિય રહીને દેખરેખ રાખવા આદેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન હવાની ગુણવત્તા (Air Quality)ની સ્થિતિ ચકાસવા અને પ્રદૂષણ કે ફટાકડાના કારણે હોસ્પિટલમાં નોંધાતા દર્દીઓનો ડેટા એકત્રિત કરવા જણાવવામાં આવ્યું છે. આ તમામ વિગતો સાથેનો સર્વગ્રાહી અહેવાલ 14 ડિસેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.